ગુજરાત

gujarat

ETV Bharat / state

રિસોર્ટ પોલિટિક્સ ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપના બળવાખોર નેતાને ફળ્યું છે - ગુજરાતનું રાજકારણ

ગુજરાત હંમેશાથી કોંગ્રેસ અને ભાજપ માટે પ્રયોગશાળા રહ્યું છે, સાથે કેન્દ્રિય નેતૃત્વ માટે પડકાર પણ ફેકતું રાજ્ય રહ્યું છે. ગુજરાતમાં પૂર્વ મુખ્યમંત્રી ચિમન પટેલે મુખ્યમંત્રી બનવા પંચવટી ફાર્મ પ્રકરણ કરીને પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને પડકાર ફેંક્યો હતો, તો ભાજપના શંકરસિંહ વાઘેલાએ ખજુરાહો કાંડ કરીને દેશમાં રિસોર્ટ પોલિટિક્સના સહારે સત્તા મેળવાય એવો ચીલો ચાતર્યો હતો. ગુજરાતના રાજકારણમાં હોર્સ ટ્રેડિંગની આ બે મહત્વની ઘટનાને જાણીએ.

ગુજરાતનું ખજુરિયા-હજૂરિયા પ્રકરણ
ગુજરાતનું ખજુરિયા-હજૂરિયા પ્રકરણ

By ETV Bharat Gujarati Team

Published : Dec 3, 2023, 10:25 AM IST

અમદાવાદ: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ચીમન પટેલ વિલક્ષણ રાજકારણી હતા. 1967માં ચીમન પટેલ સંખેડા વિધાનસભા બેઠકથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ચીમન પટેલ યુવાવસ્થાથી જ રાજકારણમાં જોડાયા હતા. એવું કહેવાય છે કે, રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતાને સત્તાથી દૂર કરવામાં ચીમન પટેલની સંગઠન સ્તરે મોટી ભૂમિકા રહી હતી. અદભુત રાજકીય કૂનેહ અને રાજકીય મહત્વકાંક્ષા ના કારણે ચીમન પટેલ સત્તા મેળવવા માટે સતત રાજકારણ રમતા, વાત એમ છે કે, રાજ્યના ચોથા મુખ્યમંત્રી તરીકે 17, માર્ચ - 1972ના રોજ વડાપ્રધાન ઈન્દિરા ગાંંધીના કહેવાથી ઘનશ્યામ ઓઝાએ શપથ લીધી. ચીમન પટેલ ત્યારે ઘનશ્યામ ઓઝાની સરકારમાં મંત્રી હતા. ઘનશ્યામ ઓઝા રાજ્યના મુખ્યમંત્રી બનતા ચીમન પટેલની નારાજગી હતી, જે તેઓએ તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સમક્ષ પણ રજૂ કરી હતી. છતાં કોઇ પ્રત્યુત્તર ન મળતા કોંગ્રેસના 70 અસંતુષ્ટ ધારાસભ્યોને હિંમતનગર હાઈ-વે પર આવેલા પંચવટી ફાર્મ હાઉસ ખાતે એકત્ર કરી પોતાના જ પક્ષની તત્કાલીન ઘનશ્યામ ઓઝા સરકાર સામે બળવો કર્યો. ઘનશ્યામ ઓઝાના રાજીનામાની માંગના કારણે કોંગ્રેસ અને ઈન્દિરા ગાંધીને નમવું પડ્યું. રાષ્ટ્રીય સ્તરે આ સમગ્ર પ્રકરણ પંચવટી ફાર્મ પ્રકરણના નામે જાણીતું બન્યું, જેને ગુજરાતના રાજકારણમાં અનેક ઉથલ-પાથલ સર્જી હતી. ચીમન પટેલના આ રિસોર્ટ પોલિટિક્સ અને હોર્સ ટ્રેડિંગના કારણે તત્કાલીન મુખ્યમંત્રી ઘનશ્યામ ઓઝાને 17, જુલાઇ - 1973ના રોજ રાજીનામું આપવાની ફરજ પડી અને ચીમન પટેલ રાજ્યના પાંચમાં મુખ્યમંત્રી બન્યા. દેશમાં રિસોર્ટ પોલિટિક્સના યુગની આ પ્રકરણથી થઈ છે. ગુજરાતના રાજકારણમાં પાટીદારોનો પ્રભાવ ત્યાર બાદ વધતો ગયો છે.

ખજુરિયા-હજૂરિયા પ્રકરણ ધારાસભ્યના હોર્સ ટ્રેડિંગ અને રિસોર્ટ પોલિટિક્સનું મિશ્રણ છે:

દેશ અને ગુજરાતમાં શંકરસિંહ વાઘેલા બાપુના નામે ઓળખાય છે. શંકરસિંહ વાઘેલાએ પોતાના જનસંઘ અને ભાજપના સાથીઓ સાથે ગુજરાતમાં ભાજપને પ્રસ્થાપિત કરીને સત્તા સુધી દોરી ગયા હતા. 1992ના બાબરી મસ્જિદ તુટવાના કારણે સર્જાયેલા હિંદુ મોજાથી 1995માં ભાજપ પહેલી વાર પોતાના દમ પર સત્તા પર આવી. 1995ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 121 બેઠકો પ્રાપ્ત થઇ. પણ ગાંધીનગરની સત્તા રાજકોટના કેશુભાઇ પટેલને પ્રાપ્ત થઇ. શંકરસિંહ વાઘેલાને ગાંધીનગર ટાઉન હોલની બેઠકમાં જ ખ્યાલ આવી ગયો કે, તેઓ પક્ષમાં કિનારે થઈ રહ્યાં છે. કેશુભાઇ પટેલ ભાજપના પ્રથમ મુખ્યમંત્રી બન્યા પણ શંકરસિંહ વાઘેલાએ હાર ન માની. કેશુભાઈ મુખ્યમંત્રી તરીકે પહેલા વિદેશ પ્રવાસ અમેરિકા ગયા અને શંકરસિંહ વાઘેલાએ તરત જ ભાજપના પણ કેશુભાઈ પટેલથી 55 જેટલા અસંતુષ્ટ ધારાસભ્યોને પહેલા પોતાના વાસણ ગામે એકત્ર કર્યા અને રીતસરનો પક્ષ અને મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ સામે બળવો કર્યો. વાસણ ગામ ખાતે એકત્ર થતા ધારાસભ્યોને પોતાની સલામતી અંગે ચિંતા થઇ, જેના કારણે કોંગ્રેસ ટેકેદાર હરી ચૌધરીના ચારડા ગામે આશરો લેવો પડ્યો. ધીરે-ધીરે ભાજપના અસંતુષ્ઠ ધારાસભ્યોની સંખ્યા વધતા ભાજપ કાર્યકરોએ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ચારડા ગામ સ્થિત હરિ ચૌધરીના ઘર પર પત્થરમારો આરંભ્યો. હવે પરિસ્થિતિ કાબુ બહાર જઈ શકે એમ ભાખી ગયેલા શંકરસિંહ વાઘેલાએ પાડોશી રાજ્ય અને કોંગ્રેસ સરકાર ધરાવતા મધ્યપ્રદેશમાં તત્કાલિન પહોંચવાનો નિર્ણય કર્યો. શંકરસિંહ વાઘેલાએ તત્કાલ પોતાના રાજકીય સંબંધોને વટાવી ખાનગી ચાર્ટડ પ્લેન મંગાવ્યું. અને મધ્યપ્રદેશમા ખજુરાહો એરપોર્ટ પર પોતાના 55 અસંતુષ્ટ ધારાસભ્યોને લઇને ભારે અસંમજમાં પહોચ્યા. ખજુરાહો ખાતે અટલ બિહારી વાજપૈયીએ શંકરસિંહ વાઘેલાને મનાવવા માટે ભેરોસિંહ શેખાવત, ભાજપના ઉપ-પ્રમુખ કુશાભાઈ ઠાકરે અને ખજુરાહોના ભાજપ સાંસદ ઉમા ભારતીને મોકલ્યા. પણ શંકરસિંહ વાઘેલા તો કેશુભાઇનું રાજીનામું અને પોતાને મુખ્યમંત્રીના પદની માંગને વળગી રહ્યા.

બીજી બાજુ ખજુરાહો ખાતે રોકાયેલા બળવાખોર ધારાસભ્યો સમય પસાર કરવા સ્વિમિંગ કરતા, રમત રમતા ફોટા દેશમાં પ્રસારિત થતા ગયા. દેશના નાગરિકો ખજુરાહોના રિસોર્ટમાં મોજમજા કરતાં બળવાખોર ધારાસભ્યોને જોઈ નારાજ થયા હતા. સતત મંત્રણા વચ્ચે ભાજપ મોવડી મંડળે ન કેશુભાઈ પટેલ, કે ન શંકરસિંહ વાધેલાને મુખ્યમંત્રી બનાવવા રાજી થયા. અંતે બંને પક્ષ માંડવીના ધારાસભ્ય સુરેશ મહેતાના નામે સહમત થયા અને ખજુરિયા કાંડનો અંત થયો. ભાજપ પાસે સત્તા રહી, પણ ભાજપમાં વાઘેલા વિરુદ્ધ પટેલ જૂથ સક્રિય બન્યા. શંકરસિંહ વાઘેલાની સાથે બળવો કરી ખજૂરાહો ગયેલા બળવાખોર ધારાસભ્યો ખજૂરિયા તો, ભાજપ પક્ષની સાથે વફાદાર રહેલા ધારાસભ્યો હજૂરિયા તરીકે ઓળખાય છે.

ABOUT THE AUTHOR

...view details