ગૃહમાં ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય સી. જે. ચાવડાનો વિધાનસભામાં FRCને લઈ પ્રશ્ન કર્યો હતો. અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા કરવામાં આવેલા હુકમનું ઉલ્લંઘન 49 સંસ્થાઓએ કર્યું છે, તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તો આ સાથે છેલ્લા એક વર્ષેમાં અમદાવાદ જિલ્લામાં 28 અને ગાંધીનગર જિલ્લામાં 21 સંસ્થાઓએ હુકમનું ઉલ્લંઘન કર્યું છે. સરકાર દ્વારા અત્યારે આ કેસ સુપ્રીમમાં પેન્ડીંગ છે, એટલે કઈ બોલી શકાય નહી તેમ કહી કોર્ટ મેટરમાં જવાબ આપવાનું ટાળ્યું હતું.
ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડના સવાલમાં સરકારનો લેખિત જવાબ આપવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદના જાણીતા પક્ષી અભયારણ્ય નળસરોવરમાં 300થી વધુ બેટ આવેલા છે. 300 માંથી 7 બેટ પર ગેરકાયદેસર દબાણો હોવાનો સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો, તો આ સાથે સરકારે વધુમાં જણાવ્યું હતું કે, 6 બેટ પર દબાણો દૂર કરવા સ્થાનિક સરપંચને કાયદેસર નોટિસ ફટકારવામાં આવી છે. જયારે ફક્ત 1 જ બેટ પરથી ગેરકાયદે દબાણ દૂર કરાયું છે.
રાજ્યના બજેટ સત્રને લઈને વિધાનસભા ગૃહમાં વિવિધ વિભાગોની માંગણીઓને લઈને ચર્ચા અને માંગ કરવામાં આવી હતી. જેમાં જેન્ડર બજેટ વ્હાલી દીકરી યોજના, દૂધ સંજીવની યોજના, પૂર્ણા યોજના, વિધવા સહાય,181 અભયમ હેલ્પલાઇન સહિતની મહિલા અને બાળકોને સંલગ્ન યોજનાને ધ્યાને લેતા રાજય સરકાર દ્વારા 7.24 કરોડ રૂપિયાની મહેસૂલી માંગણીઓ મંજૂર કરવામાં આવી હતી. વિધાનસભા ગૃહમાં ચર્ચા કરતા કેબિનેટ પ્રધાન ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા પ્રતિવર્ષ જેન્ડર બજેટ સ્ટેટમેન્ટ તૈયાર કરવામાં આવે છે. આ બજેટ હેઠળ વર્ષ 2019માં 834 જેટલી યોજનાઓ આવરી લેવાઈ છે, જે પૈકી 210 જેટલી યોજનાઓ સંપૂર્ણ પણે મહિલાલક્ષી છે. 181 અભયમ મહિલા હેલ્પ લાઇન અંતર્ગત અત્યાર સુધીમાં 5.82 લાખ મહિલાઓને સેવા પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત સગર્ભાવસ્થામાં મહિલાઓને રૂપિયા 5000ની સહાયતા દીવડા યોજના હેઠળ મહિલાઓને રોજગારી આપવા અપાતી લોન રૂપિયા 1 લાખથી વધારીને રૂપિયા 2 લાખ કરવામાં આવી છે તો સબસીડી 15 ટકા કરી દેવામાં આવી છે.
રાજય સરકાર દ્વારા વ્હાલી દીકરી યોજના અંતર્ગત દીકરીનો શિક્ષણમાં ડ્રોપ આઉટ રેટ ઘટાડવા પહેલા ધોરણમાં પ્રવેશ વખતે રૂપિયા 4000, નવમાં ધોરણમાં આવે ત્યારે બીજા રૂપિયા 6,000 તેમજ દીકરી જ્યારે 18 વર્ષની થાય ત્યારે રૂપિયા 1 લાખ તેના વાલીને આપવામાં આવશે. જેથી ઉચ્ચ શિક્ષણ અને લગ્નનો ખર્ચ કાઢી શકાય. વિધવા સહાય અંતર્ગત વિધવા બહેનોને વિધવા સહાય મેળવવાના ધોરણોમાં આવક મર્યાદામાં વધારો કરી ગ્રામ્ય વિસ્તારમાં રૂપિયા 1.20 લાખ અને શહેરી વિસ્તારમાં 1.50 લાખ કરી દેવાઈ છે. જ્યારે પુત્ર 21 વર્ષ પૂર્ણ કરે ત્યારે સહાય બંધ થતી હતી તે નિયમ રદ કરવામાં આવ્યો છે. જ્યારે પહેલા માસિક રૂપિયા 1000 લેખે સહાય આપવામાં આવતી હતી તેમાં 250નો વધારો કરી માસિક રૂપિયા 1250 આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.