ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત વિધાનસભામાં ઉત્તર ગુજરાતની 32 બેઠક, ભાજપ કોંગ્રેસ વચ્ચે ભારે રસાકસી રહેશે

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) માટે તમામ પક્ષોએ પ્રચાર પણ શરૂ કરી દીધો છે. 10 દિવસમાં જ ચૂંટણી પંચ દ્વારા તારીખોની સત્તાવાર જાહેરાત પણ થશે. વિધાનસભામાં 182માંથી ઉત્તર ગુજરાતની 32 બેઠકોનું (North Gujarat Assembly Seats) પ્રતિનિધિત્વ છે ત્યારે ઉત્તર ગુજરાતની રાજકીય સ્થિતિ (Political Experts on North Gujarat Assembly Seats) પરનો વિશેષ અહેવાલ.

ગુજરાત વિધાનસભામાં ઉત્તર ગુજરાતની 32 બેઠક, ભાજપ કોંગ્રેસ વચ્ચે ભારે રસાકસી રહેશે
ગુજરાત વિધાનસભામાં ઉત્તર ગુજરાતની 32 બેઠક, ભાજપ કોંગ્રેસ વચ્ચે ભારે રસાકસી રહેશે

By

Published : Nov 3, 2022, 10:43 AM IST

ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 )જાહેર થવાની ઘડીઓ ગણાઇ રહી છે. જોકે ચૂંટણી પંચ દ્વારા તારીખોની સત્તાવાર જાહેરાત થાય એ પહેલાં ચૂંટણી પ્રચારમાં કોઇ પણ પાછળ રહ્યો નથી. એક વર્ષ પહેલા આખેઆખી સરકાર બદલીને પાટીદાર મુખ્યપ્રધાનને ગુજરાતની ગાદીએ બેસાડવા સાથે ભાજપ ચૂંટણી મેદાનમાં આવી ગયો હતો. તો કોંગ્રેસ પણ કોઇ શોર મચાવ્યાં વિના જગદીશ ઠાકોરના આગમન બાદ તળના લોકો સુધી સંપર્કો શરુ કર્યાં હતાં. આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકામાં નોંધપાત્ર સફળતા મેળવા બાદથી ગુજરાત પર ધ્યાન આપવાનું શરુ કર્યું હતું. ઈટીવી ભારતની ચૂંટણી વિશેષ શૃંખલામાં આ અહેવાલમાં જોઇએ ઉત્તર ગુજરાતની રાજકીય સ્થિતિ. ગુજરાત વિધાનસભામાં ઉત્તર ગુજરાતની 32 બેઠકો (North Gujarat Assembly Seats) છે. ઉત્તર ગુજરાતમાં કુલ છ જિલ્લાના વિસ્તારમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાનો સમાવેશ થાય છે. મહદઅંશે સમગ્ર વિસ્તાર પાટીદાર,ઓબીસી તથા દલિત અને આદિવાસી વોટબેંક ધરાવે છે.

ગુજરાત વિધાનસભામાં ઉત્તર ગુજરાતની 32 બેઠક, ભાજપ કોંગ્રેસ વચ્ચે ભારે રસાકસી રહેશે

ઉત્તર ગુજરાત વિધાનસભા બેઠકોની ડેમોગ્રાફી :ઉત્તર ગુજરાતમાં વિધાનસભા બેઠકોની વાત કરીએ તો કુલ 182માંથી કુલ 32 બેઠક આવે છે. તેમાં બનાસકાંઠામાં 9, પાટણમાં 4, મહેસાણામાં 7, સાબરકાંઠામાં 4, અરવલ્લીમાં 3 અને ગાંધીનગરમાં 5 બેઠકોનો સમાવેશ થાય છે. આ તમામ બેઠકોમાં ભાજપને 14 બેઠક, કોંગ્રેસને 17 બેઠક અને એક અપક્ષ પાસે છે.

ઉત્તર ગુજરાત વિધાનસભા બેઠકો પર મતદાર સંખ્યા: ચૂંટણી પંચે જાહેર કરેલી આખરી યાદી પ્રમાણે ઉત્તર ગુજરાતની 32 બેઠકો (North Gujarat Assembly Seats) પર કુલ મતદારોની સંખ્યા 86,53000 છે. જેમાં 44,58000 પુરુષ મતદારો છે અને 41,93000 મહિલા મતદારો છે.

ઉત્તર ગુજરાતની બેઠકોનું ગણિત :ઉત્તર ગુજરાતમાં બે સમાજનો રોલ ખૂબ મોટો હોય છે એક પાટીદાર અને બીજો ઓબીસી સમાજ. તેમાં ચૂંટણી ગણિત જોઈએ તો પાટીદાર સમાજમાં પણ બે ભાગ છે ઉજળીયાત પાટીદાર અને આંજણા ચૌધરી. આ આંજણા ચૌધરી સમાજ બક્ષીપંચમાં આવે છે. વર્ષોથી પાટીદાર સમાજનો 80 ટકા વર્ગ ભાજપ સાથે છે અને 20 ટકા કોંગ્રેસ સાથે છે. એવી જ રીતે ઠાકોર સમાજ ઓબીસીમાં આવે અને તેમનો સમાજ 80 ટકા કોંગ્રેસ સાથે અને 20 ટકા ભાજપ સાથે છે. દલિત સમાજની વાત કરીએ તો આ મતદારવર્ગ ભાજપ સાથે અને રોહિત સમાજ કોંગ્રેસ સાથે છે. ઉત્તર ગુજરાતનું આ રીતનું રાજકીય જ્ઞાતિ સમીકરણ છે. આને ધ્યાને લઇને રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોને ટિકીટ આપે છે.

ગુજરાત વિધાનસભામાં ઉત્તર ગુજરાતની 32 બેઠક, ભાજપ કોંગ્રેસ વચ્ચે ભારે રસાકસી રહેશે

ઉત્તર ગુજરાતનું જાતિગત સમીકરણ : આ વિસ્તારમાં ભાજપ કરતાં કોંગ્રેસ બળૂકી રહી છે. એટલે કે કોંગ્રેસનો પરંપરાગત મતદાર વર્ગ તેની સાથે રહ્યો છે. મહેસાણા જિલ્લામાં કુલ મતદારોમાં 42 ટકા જનરલ કેટેગરીના 38 ટકા ઓબીસી કેટેગરીના અને 20 ટકા અન્ય જાતિની કેટેગરીના મતદારો છે. ગાંધીનગર જિલ્લામાં ગ્રામ્યમા્ પણ કોંગ્રેસ પરંપરાગત ઓબીસી અને દલિતસમાજના મતદારોનો સહકાર મેળવે છે.પાટણમાં પાટીદારોમાં અનામત આંદોલનની અસરને લઇને 2017ની ચૂંટણીથી કોંગ્રેસને સાથ મળ્યો છે. સાબરકાંઠામાં સૌથી વધુ પ્રભુત્વ ક્ષત્રિય પાટીદાર તેમજ ક્ષત્રિય સમાજનું છે. તો એમુક બેઠક પર સૌથી વધુ મતદારો આદિવાસી છે. જાતિ સમીકરણોની રીતે અરવલ્લીમાં પણ ઠાકોર સમાજની વસ્તી વધુ છે. સાથે લેઉઆ, કડવા અને કચ્છી પટેલોની વસ્તી નોંધપાત્ર છે. તો મોડાસામાં કુલ મતોના 10 થી 11 ટકા અને મેઘરજમાં લધુમતી મતો કુલ મતોના 7 થી 8 ટકા હોવાનું અનુમાન છે. મેઘરજમાં ખ્રીસ્તી સમુદાયના લોકોનો પણ સમાવેશ થાય છે.કુલ મળીને પાટીદારો અને ઓબીસી સમાજ તેમજ અન્ય સમાજ એવું જાતિગત ગણિત બેસે છે.

બેઠકો અનુસાર જાતિ સમીકરણ : ઉત્તર ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં કુલ છ જિલ્લા બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગરની કુલ 32 બેઠકમાંથી મહત્ત્વની બેઠકો વિશે જોઇએ તો બનાસકાંઠામાં કુલ 9 બેઠકો છે. વાવ, થરાદ, ધાનેરા, દાંતા, વડગામ, પાલનપુર, ડીસા, દીઓદર અને કાંકરેજનો સમાવેશ થાય છે. 2017માં 3 બેઠક પર ભાજપ, 5 બેઠક પર કોંગ્રેસ અને 1 બેઠક પર અપક્ષની જીત થઈ હતી એટલે કે પાટીદારોનો ઝોક કોંગ્રેસ તરફ હતો બાકી અન્ય ઓબીસી અને દલિત તથા લઘુમતી મતો કોંગ્રેસ તરફે રહ્યાં હતાં.

ગુજરાત વિધાનસભામાં ઉત્તર ગુજરાતની 32 બેઠક, ભાજપ કોંગ્રેસ વચ્ચે ભારે રસાકસી રહેશે

મહેસાણાની 7 બેઠકમાં ખેરાલુ, ઊંઝા, વિસનગર, બેચરાજી, કડી, મહેસાણા અને વિજાપુર છે. 2017ની ચૂંટણીમાં 7 બેઠકમાંથી 5 બેઠક પર ભાજપ અને 2 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો. અહીં ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) પાટીદાર મતદારો અને ઓબીસી વર્ગના મતદારોનું મતદાન નિર્ણાયક રહ્યું હોવાનો જિલ્લાનો ઈતિહાસ છે. આ જિલ્લાનું વડનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મૂળ વતન છે. મહેસાણા જિલ્લો કોંગ્રેસનો ગઢ હતો, પણ મહેસાણામાં 20 વર્ષથી ભાજપે મતદારોમાં વિશ્વાસ અને વચનોથી મન જીતી અડીંગો જમાવેલો છે. હાલમાં વિસનગર વિધાનસભા સીટ પર ઋષિકેશ પટેલ ભાજપમાંથી ધારાસભ્ય તરીકે છે. કડીમાં કરશન સોલંકી ભાજપમાંથી ધારાસભ્ય તરીકે છે. ત્યારે આગામી સમયમા આવનારી વિધાનસભાની ચૂંટણીને લઇ હાલમાં તમામ રાજકીય પક્ષો રાજ્યની લેબોરેટરી ગણાતા મહેસાણામાં પોતાના ચૂંટણીલક્ષી કાર્યક્રમો આપી કવાયત કરી રહ્યા છે.

ગાંધીનગરની કુલ 5 બેઠકમાં દહેગામ, ગાંધીનગર દક્ષિણ,ગાંધીનગર ઉત્તર, માણસા અને કલોલનો સમાવેશ થાય છે. 2017માં 2 બેઠક પર ભાજપ અને 3 બેઠક કોંગ્રેસે જીતી હતી.આ જિલ્લામાં મોટાભાગે ઠાકોર સમાજ સહિત ઓબીસી અને દલિત મતો નિર્ણાયક હોવાથી કોંગ્રેસ તરફી ઝોક રહે છે.

પાટણ જિલ્લામાં જોઇએ તો રાધનપુર, ચાણસ્મા, પાટણ અને સિદ્ધપુરનો એમ 4 બેઠક છે. 2017માં ભાજપને પાટીદાર વર્ગની નારાજગીનો ભોગ સૌથી વધુ અહીં વિધાનસભા ચૂંટણીમાં 1 બેઠક પર ભાજપ અને 3 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો .કોંગ્રેસે પાટણમાં પાટીદાર ઉમેદવારને ટિકીટ આપતાં પાટીદાર ફેક્ટરને કારણે આ બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી.વિધાનસભા ચૂંટણી 2017માં ભાજપે પછડાટ ખાધી હતી.

સાબરકાંઠાજિલ્લામાં કુલ 4 બેઠક છે, જેમાં હિમ્મતનગર, ઈડર, ખેડબ્રહ્મા અને પ્રાંતિજનો સમાવેશ થાય છે. હિંમતનગર બેઠક ઉપર સૌથી વધુ પ્રભુત્વ ક્ષત્રિય પાટીદાર તેમજ ક્ષત્રિય સમાજનું રહેલું છે. ક્ષત્રિય 63,000 મતદાર, રાજપુત 4500 મતદાર, મુસ્લિમ 36,000 મતદાર, દલિત 30,000 મતદાર, બ્રાહ્મણ 9000 મતદાર, વાણીયા 8000 મતદાર, સોની 4000 મતદાર, રાવળ 5000 મતદાર, રબારી 5,000 મતદાર પ્રજાપતિ 6000 મતદાર, વણઝારા- ઓડ 3000 મતદાર, ઓબીસી 30,000 મતદાર, જનરલ અપર 4000 મતદાર, અન્ય ઓબીસી તેમજ પછાત વર્ગ 20,000 મતદારો છે.પ્રાંતિજ-તલોદ વિધાનસભા બેઠકના મતદારોની વાત કરીએ તો અહી ઠાકોર સમાજના મતદારો સૌથી વધુ છે ખેડબ્રહ્મા વિધાનસભા પોશીના ખેડબ્રહ્મા તેમજ વિજયનગર તાલુકાઓ થકી અસ્તિત્વ પામેલી છે તેમજ સૌથી વધુ મતદારો આદિવાસી છે. અરવલ્લીની બાયડ વિધાનસભા બેઠકમાં ઠાકોર સમાજ અને ત્યારબાદ પટેલ સમાજની વસ્તી નોધપાત્ર છે.

ઉત્તર ગુજરાતના મુદ્દાઓ :ઉત્તર ગુજરાતમાં (North Gujarat Assembly Seats) મુખ્યત્વે પાણીની સમસ્યા ઘણી વ્યાપક હોય છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં આ મુદ્દે વ્યાપક સમસ્યાઓ શિયાળો ઊતર્યો પણ ન હોય ત્યારથી શરુ થઇ જાય છે.નર્મદા કેનાલ આધારિત ખેતી માટે પણ પૂરતું પાણી ન હોવાની ખેડૂતોની ફરિયાદો સામે આવતી રહે છે. તેમ જ ખેતી વિસ્તારોમાં નકલી બીયારણોની સમસ્યાથી છૂટકારો પણ મુદ્દો છે. મહેસાણાના બેચરાજીમાં ઔદ્યોગિક યુનિટો આવ્યાં પછી રોજગારી મળે છે પણ સ્થાનિક રોજગારી ન હોવાનો મુદ્દો છે. ઉત્તર ગુજરાતમાં શહેરી વિસ્તારો સિવાયના અંતરિયાળ વિસ્તારોમાં સારું શિક્ષણ અને આરોગ્યવિષયક સુવિધાઓ આજે પણ આછીપાતળી છે. જિલ્લાકક્ષાની હોસ્પિટલોમાં પણ તબીબી સ્ટાફની ગેરહાજરી લોકોને સતાવે છે. એ જ રીતે જાહેર ટ્રાન્સપોર્ટની એસટી સુવિધા મેળવવા માટે પણ અહીંના લોકોએ આંદોલનો કરવા પડતાં હોય છે. ઉત્તર ગુજરાતના ગાંધીનગર જિલ્લો આ દ્રષ્ટિએ મુદ્દો તો નથી પરંતુ સુવિધાઓ જનજન સુધી પહોંચે તે માટે હજુ પણ કામ થવું બાકી છે.

ઉત્તર ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ અને આપની રણનીતિ: ઉત્તર ગુજરાતમાંથી આનંદીબેન પટેલ, નીતિન પટેલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ જેવા ભાજપના ધુરંધરો આવે છે. સમગ્ર વિસ્તારમાં પાટીદારો ખેતી અને જમીનોના લીધે પૈસેટકે સમૃદ્ધ વર્ગના છે, શિક્ષિત વર્ગના છે. ત્યારે તેમના માટે રાજકીય વર્ચસ્વનો સવાલ મહત્ત્વ ધરાવે છે. એટલે જ 2027માં પાટીદાર આંદોલનની અસરમાં ભાજપને પછડાટ ખાવાનો વારો આવ્યો હતો. હવે હાર્દિક પટેલ ભાજપમાં છે, અલ્પેશ પટેલ ભાજપમાં છે અને જીગ્નેશ મેવાણી કોંગ્રેસ પાસે છે. ત્યારે મતોના ધ્રુવીકરણની રણનીતિ (Gujarat Assembly Election 2022) ભાજપ અને કોંગ્રેસે તો ગોઠવી દીધી છે. નવા આમ આદમી પક્ષ દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં પહેલીવાર પદાર્પણ થવાનું છે તે લોકો પણ વોટબેંકની રાજનીતિ સમજે છે અને તે રીતે જ ઉમેદવારોનું ચયન કરી રહ્યાં છે તે અત્યાર સુધીમાં જાહેર થયેલા નામોમાં દેખાય છે. કોંગ્રેસનું પ્રભુત્વ આદિવાસી મતદારોમાંથી ઓછું કરવા માટે મોટા આદિવાસી નેતા અશ્વિન કોટવાલ અનેે ડૉ. અનિલ જોશીયારાના પુત્ર ભાજપમાં લઇ અવાયાં છે જેની અસર પડી શકે છે.

રાજકીય બાબતોના નિષ્ણાતનો મત : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) ઉત્તર ગુજરાતમાં ચૂંટણી સમીકરણ વિશે ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવતાં રાજકીય તજજ્ઞ હરેશ ઝાલા (Political Experts on North Gujarat Assembly Seats) એ કહ્યું હતું કે2022ની વિધાનસભાની ચૂંટણીમાં વિપુલ ચૌધરી કેસ થયા પછી આંજણા ચૌધરી સમાજ નારાજ છે તે ઉત્તર ગુજરાતની કેટલીક બેઠકો પર અસર કરી શકે છે. જો કે ભાજપ અને કોંગ્રેસ કોને ટિકિટ આપે છે, તેના પર બધો દારોમદાર રહેશે. 1985થી ઠાકોર અને પાટીદાર વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. ઠાકોર સમાજ કોંગ્રેસ સાથે છે, ત્યાં ભાજપ ઘુસવાનો પ્રયત્ન કરે છે, અને ઠાકોર સમાજને પોતાની તરફ વાળવા માટે અનેક પ્રયત્નો કરે છે. અલ્પેશ ઠાકોરને ભાજપ લીધા. પણ હજી સુધી કોઈ ઠોસ કામગીરી થઈ નથી. બીજુ પાટીદાર સમાજ ભાજપનો કમીટેડ વોટર છે, ત્યાં કોંગ્રેસ પગદંડો જમાવી શકી નથી.

ઉત્તર ગુજરાતમાં સ્પર્ધા જોરદાર થશેે :રાજકીય વરિષ્ઠ તજજ્ઞ દિલીપભાઈ ગોહિલે ETV Bharat ને જણાવ્યું (Political Experts on North Gujarat Assembly Seats) હતું કે, ઉત્તર ગુજરાતમાં છેલ્લી ત્રણ ચૂંટણીથી પરિણામમાં કોઈ ઝાઝો ફેરફાર જોવા મળ્યો નથી. ભાજપ કોંગ્રેસના કમિટેડ મતદાર તેમને જ મત આપે છે. કોંગ્રેસ છેલ્લી ત્રણ ચૂંટણીથી તેની બેઠકોને જાળવી શકી છે. બીજા વિસ્તારોમાં તૂટી તેવી રીતે ઉત્તર ગુજરાતમાં તૂટી નથી. પણ સામે સ્થિતિને સુધારી પણ શકી નથી. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તર ગુજરાત મહત્વનું રહેશે અને ધ્યાનાકર્ષક રહેશે. કેમ કે વિપુલ ચૌધરીના મામલે ચૌધરી સમાજે આંદોલન કર્યું છે, જેની સીધી અસર ભાજપ પર પડી શકે છે. બીજુ કોંગ્રેસે જગદીશ ઠાકોરને પક્ષ પ્રમુખ બનાવ્યા છે, જેનાથી કોંગ્રેસને ઠાકોર સમાજના ખોબલેખોબલે મત મળશે, તેવું ગણિત છે. ત્રીજો પક્ષ આમ આદમી પાર્ટી આવી છે, જે મત તો કાપશે. કોને નુકસાન કરશે તે હાલ કહેવું મુશ્કેલ છે. પણ ઉત્તર ગુજરાતમાં સ્પર્ધા જોરદાર થશેે.

કોણ કોના મત કાપશે એ તો આગામી સમય બતાવશે :રાજકીય વિશ્લેષક જયવંતભાઈ પંડ્યાએ ETV Bharatને કહ્યું (Political Experts on North Gujarat Assembly Seats) હતું કે, ગુજરાતના રાજકારણમાં ઉત્તર ગુજરાતનો દબદબો રહ્યો છે. ભાજપ કોંગ્રેસ બંનેના મોટા ગજાના નેતા ઉત્તર ગુજરાતના છે. 2022ની ચૂંટણીનો જંગ (Gujarat Assembly Election 2022) જીતવા માટે ભાજપે બહુ જોર લગાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસડેરીના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવા આવ્યા, તે પછી મહેસાણા, બહુચરાજી અને મોઢેરામાં સભા કરી હતી. જોકે વિપુલ ચૌધરીની ઘરપકડ બાદ ચૌધરી સમાજ રોષે ભરાયેલો છે. સાબરકાંઠામાં અશ્વિન કોટવાલ અને ડૉ. અનિલ જોશીયારાના પુત્ર ભાજપમાં આવ્યાં છે ત્યારે વધુ જોર લગાવીને ઉત્તર ગુજરાતમાં વધુ બેઠકો કબજે કરવાની ભાજપની રણનીતિ છે. કોંગ્રેસ આજેપણ ગ્રામ્ય લેવલ પર પ્રચાર કરીને વધુ મત મેળવવા પ્રયત્નશીલ છે. ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટીએ પણ પ્રચારમાં જોર લગાવ્યું છે. હવે કોણ કોના મત (North Gujarat Assembly Seats) કાપશે એ તો આગામી સમય બતાવશે.

ABOUT THE AUTHOR

...view details