- રાજયમાં વિકલી લોકડાઉન મુદ્દે કોઈ વિચારણા નહીં : નીતિન પટેલ
- સોશિયલ મીડિયામાં ખોટી અફવા ફેલાઇ : નીતિન પટેલ
- જાહેર જનતા ખોટી અફવામાં ભરમાઈ નહીં : નીતિન પટેલ
- સરકાર જે પણ હશે એ અંગે સત્તાવાર જાહેરાત કરશે : નીતિન પટેલ
ગાંધીનગર : દિવાળીના તહેવાર બાદ રાજ્યમાં કોરોના સંક્રમણમાં વધારો થયો છે. ત્યારે અમદાવાદ શહેરમાં 58 કલાક માટે કરફ્યૂ લાગુ કરવામાં આવ્યું હતું. જ્યારે હવેથી અમદાવાદ રાજકોટ સુરત અને વડોદરામાં રાત્રિના 9થી સવારના 6 કલાક સુધી કરફ્યૂ લાગુ કરવામાં આવ્યું છે. ત્યારે હવે રાજ્ય સરકાર દર અઠવાડિયે શનિવાર અને રવિવારે કરફ્યૂ જાહેર કરશે, તેવી અફવા સોશિયલ મીડિયામાં વહેતી થઇ છે. જેને ધ્યાનમાં લઇને રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે નિવેદન આપ્યું હતું કે, રાજ્ય સરકારની લોકડાઉન અથવા તો કરફ્યૂની કોઈ જ પ્રકારની વિચારણા નથી.
કોર કમિટીમાં લેવામાં આવશે નિર્ણય
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણને લગતા તમામ નિર્ણય કોર કમિટીની બેઠકમાં કરવામાં આવે છે. જ્યારે કરફ્યૂ લાગુ કરવું કે નહીં તે અંગે પણ કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યારે હજૂ સુધી સાપ્તાહિક કરફ્યૂ બાબતે કોઈ જ પ્રકારનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો નથી. આ સાથે જ કમિટીની બેઠકમાં પણ આ મુદ્દે કોઇ જ પ્રકારની ચર્ચા કરવામાં આવી નથી.