પાટીદાર અનામત આંદોલન શરૂ કરનારા હાર્દિક પટેલે આજે આંદોલન પૂરું થયું હોવાની વાત કરતા પાટીદાર સમાજમાં જ ભાગલાં પડી ગયા છે. આજે ખોડલધામ ખાતે પાટીદાર સમાજની બેઠક મળી હતી. જેમાં હાર્દિક પટેલે આંદોલન પૂર્ણ થયું હોવાની વાત જાહેર કરી હતી. આ બાબતે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું કે, સરકારે અભ્યાસ કર્યા બાદ સવર્ણોને 10 ટકા આર્થિક અનામત આપી હતી. તે સમયે જ આંદોલન પૂરું થઈ ગયું હતું, પરંતુ હવે હાર્દિક કેમ અનામત પૂરું થઈ ગઈ હોવાની વાત કરે છે તે એક મોટો સવાલ છે.
EBC મળ્યું ત્યારે જ આંદોલન પૂરું થઈ ગયું હતું, હવે કેમ હાર્દિકે કરી જાહેરાત: નીતિન પટેલ
ગાંધીનગર: પાટીદાર અનામત આંદોલન બાદ અનેક યુવા નેતાઓ સામે આવ્યા છે અને યુવાનોને હવે રાજકારણનો ચસ્કો લાગ્યો છે. પાટીદાર અનામત આંદોલન દ્વારા પાટીદાર સમાજના અનેક લોકો નેતા બની ગયા છે. જ્યારે કેટલાક નથી બન્યા તે બનવાના અભરખા જોઈ રહ્યા છે.
નીતિન પટેલે કહ્યું કે, પાટીદાર અનામત આંદોલન બાદ સરકારે 10 ટકા આર્થિક અનામત આપી હતી, પરંતુ તે દરમિયાન કેટલાક લોકો કોર્ટમાં ગયા હતા. હવે કોઈ અનામત આંદોલનની અસર જ નથી. સરકારે EBC જાહેર કર્યું ત્યારે જ આંદોલન પૂરું થઇ ગયું હતું, પરંતુ અત્યારે કોઈ જગ્યાએ આંદોલન જોવા મળતું નથી. ત્યારે હાર્દિક પટેલે આંદોલન પૂરું થયું હોવાની વાત કરી છે તે એક મોટો સવાલ છે. પાટીદાર અનામત આંદોલનના અલ્પેશ કથીરિયા ઉપર કેસ કરવામાં આવ્યા છે. ત્યારે તેને છોડાવવા માટે પાટીદાર સમાજના આગેવાનો ખોડલધામ ખાતે એકઠા થયા હતા અને તેની ચર્ચા કરવામાં આવી હતી. સરકાર સાથે વાટાઘાટો કરીને અલ્પેશ કથીરિયાને મુક્ત કરાવવામાં આવે તેવી ચર્ચા કરવામાં આવી હતી.
આ બાબતે નીતિન પટેલે કહ્યું કે, અલ્પેશ કથીરિયાનો મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે. પરિણામે તેના ઉપર ટીપ્પણી કરવી યોગ્ય રહેશે. પાટીદાર અનામત આંદોલન ચલાવનાર યુવા નેતાઓમાં ફાંટા પડી ગયા છે. હેલિકોપ્ટરમાં અને ગાડીઓમાં ફરતા થઈ ગયા છે. પરિણામે આંદોલન હવે વિખુટું પડી ગયું છે. આંદોલનનો સહારો લઇને નેતાઓ બની ગયા હોવાના કારણે આંદોલનનો મુખ્ય મુદ્દો જ ભુલાઈ ગયો છે. પાટીદાર સમાજ પણ હવે સમજી ગયો છે કે, આંદોલનના નામે આ લોકો નેતાઓ બનવા નીકળ્યા હતા. પરિણામે હવે સમાજનો સહયોગ નહીં મળે તેને લઈને પણ આંદોલન પૂરું કર્યું હોવાની જાહેરાત કરવામાં આવી હોવાની શક્યતાઓ સેવવામાં આવી રહી છે.