રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ગાંધીનગરના કલોલ ખાતેના કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું કે, આંદોલન ચલાવી રહેલી મહિલાઓને ટેકો આપનારા પ્રધાનો અને સાંસદો રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને જવાબદારીથી ભાગી ન જાય. પરંતુ તેઓ પણ પોતાની જવાબદારી સ્વીકારે અને વચ્ચેનો માર્ગ શોધવામાં સરકારને મદદરૂપ થાય.
SC-ST મુદ્દે CMને પત્ર લખી સાંસદો અને પ્રધાનો જવાબદારીથી ન છટકેઃ નીતિન પટેલ - LRD વિવાદ
ગાંધીનગરઃ સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા 40 દિવસથી SC-ST અને OBC મહિલાઓ આંદોલન કરી રહી છે. મહિલાઓ LRDની પરીક્ષા આપ્યા બાદ જે પરિપત્રના કારણે તેમને નોકરી મળી નથી, તે પરિપત્ર રદ્દ થાય તેવી માંગણી કરી રહ્યાં છે. આ સંદર્ભે રાજ્યના સાંસદો અને પ્રધાનો CMને પત્ર લખી રહ્યાં છે, ત્યારે આજે નાયબ મુખ્ય પ્રધાને પત્ર લખનારા સાંસદો અને પ્રધાનોની ઝાટકણી કાઢતા કહ્યું કે, માત્ર પત્ર લખી તેમણે જવાબદારીથી છટકવું ન જોઈએ.
આ સાથે જ તેઓએ જણાવ્યું હતું કે, માત્ર પત્ર લખવાથી સમસ્યાનું નિરાકરણ આવતુ નથી. જ્યારે હાલ LRD મુદ્દે રાજ્ય સરકાર પણ વિચારણાં કરી રહી છે. સાથે જ આજે જે આંદોલન ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે થઇ રહ્યું છે તે કોંગ્રેસ પ્રેરિત છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે જે પરિપત્ર બહાર પાડ્યો છે, તે પરિપત્રના કારણે અનેક લોકોની નોકરીથી દૂર રહેવાનો વારો આવ્યો છે. ત્યારે હવે આ પરિપત્રને લઈને 26મી જાન્યુઆરી બાદ એસ.સી. એસ.ટી. અને ઓ.બી.સી. નેતાઓ અને સંગઠનના પ્રમુખો, સાંસદો સહિતના લોકો સાથે બેઠક કરી મુખ્ય પ્રધાન વિજય રૂપાણી વચલો રસ્તો કરશે.