ગાંધીનગર : જિલ્લામાં દીપડાએ નવો વસવાટ શરૂ કર્યો હોય તેવું સામે આવી રહ્યું છે. છેલ્લા દોઢ વર્ષમાં સાબરમતી કોતરોમાંથી 4 દીપડા પકડાયા હતા. જ્યારે પાંચમો દીપડો આયુર્વેદિક કોલેજમાંથી પકડાયો હતો. ગત 16 એપ્રિલના રોજ કોલવડામાં આવેલી આયુર્વેદિક કોલેજના બાથરૂમમાં રાત્રિના સમયે દીપડો ઘુસી ગયો હતો.
સવારે સફાઈ કર્મચારી સફાઈ કરવા જતા પૂંછડું જોઈને જ પરત નીકળી ગયા હતા. ત્યારબાદ કોલેજ સત્તાધીશોએ વનવિભાગના અધિકારીઓને જાણ કરતા તેને ગન દ્વારા ઇન્જેક્શન આપી બેભાન કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પહેલા સેક્ટર-30માં આવેલા વનવિભાગની કચેરી અને ત્યારબાદ ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં લઇ જવામાં આવ્યો છે.
હવે આ વિસ્તારમાં ખેતી કરતા ખેડૂતો અને ખેતરમાં વસવાટ કરતા લોકો નીંદર વેરણ થઈ ગઈ છે. કારણ કે, ગઈકાલ મોડી રાત્રે ખેતરોમાં રહેતા સ્થાનિક લોકોનું માનીએ તો, લોકોએ એક દીપડાને નજર સમક્ષ જોયો હતો. જ્યારે આજે એટલે કે મંગળવારે બપોરે પણ ખેતરમાં કામ કરતા કેટલાક લોકોએ દીપડાને જોયો હતો. વહેલી સવારે ગ્રામજનો દ્વારા દીપડાના પંજા પણ જોવા મળ્યા હતા. ત્યારે હવે ગામડાના લોકોની ઊંઘ હરામ થઇ ગઇ છે.
આજે સવારે દીપડાના પંજા જોવા મળતા વન વિભાગ દ્વારા પાંજરા મૂકીને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં આયુર્વેદિક હોસ્પિટલની આજુબાજુના તમામ વિસ્તારમાં વનવિભાગ દ્વારા પાંજરા મૂકીને દીપડાને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વનવિભાગના સૂત્રોનું કહેવું છે કે, ગત 16 એપ્રિલના રોજ પકડાયો હતો, તે નર દીપડો હતો ત્યારે તેની સાથે માદા પણ હોઈ શકે છે. જેને લઈને હાલમાં આ વિસ્તારમાં તપાસ તેજ બનાવવામાં આવી છે. પરંતુ વન વિભાગના સુત્રો એમ પણ કહી રહ્યા છે કે, આ એક અફવા છે જો દીપડો હોય તો ચાર દિવસમાં એકાદ જગ્યાએ તો મારણ કરે જ. પરંતુ હજુ સુધી આવું કાંઈ જોવા મળી નથી.