17 ઓગસ્ટના રોજ એક ન્યુઝપેપરમાં આંગણવાડી કેન્દ્ર માટે કો-ઓર્ડિનેટર દરેક તાલુકામાં 10, માનદવેતન 20500 આપના બાયોટેડા ઈ મેલ કરો તેવી જાહેરાત આપવામાં આવી હતી. જે બાદ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આવી કોઈ જાહેરાત બહાર પાડવામાં આવી નથી તેવું સામે આવ્યું હતું. તો આ સાથે જ કોઈ એજન્સીને પણ ઓથોરાઈઝ કરી નથી તેવું સામે આવ્યું હતું.
બેરોજગારીનો ગેરલાભ ઉઠાવતા લેભાગુ તત્વો સામે બાળ વિકાસ અધિકારીએ ફરિયાદ નોંધાવી - ન્યૂઝપેપરમાં ખોટી જાહેરાત
ગાંધીનગર:રાજ્યમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા ખૂબ જ વધી રહી છે.પરિણામે લેભાગુ તત્વો તેનો ગેરલાભ ઉઠાવવા માટે રાહ જોઇને બેસી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે રોજગાર ઉત્સુક યુવાનોને ગેરમાર્ગે દોરી પૈસા પડાવવાની પેરવી કરતી એક જાહેરાત સાથે તંત્રએ લાલ આંખ કરી છે. એક ન્યુઝ પેપરમાં આવેલી આંગણવાડી કો-ઓર્ડિનેટરની જાહેરાત ખોટી હોવાનું કહીં મહિલા અને બાળ વિકાસની કચેરી દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી છે.
જેના પગલે જાહેરાત ખોટી હોવાની અને રોજગાર ઈચ્છતા લોકો સામે પૈસા પડાવાનું ષડયંત્ર હોવાનું લાગતા આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. ગાંધીનગર ખાતે ઈન્ટીગ્રેડેટ ચાઈલ્ડ ડેવલોપમેન્ટ સર્વિસ નિયામકની કચેરીમાં બાળ વિકાસ અધિકારી અનિલકુમાર પટેલે આ અંગે ફરિયાદી બની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
જેમાં તેમણે કોઈ શખ્સે પોતાના ઈ-મેઈલ આઈડી દ્વારા યુવાનો સાથે વિશ્વાસઘાત કરીને ઠગાઈ કરવા માટે આ જાહેરાત અપાઈ હોવાનું જણાવ્યું હતું. જાહેરાત મુદ્દે ICDSના નિયામક અશોક શર્માએ ગંભીર નોંધ લઈને યુવાનો આ પ્રકારની જાહેરાતમાં ભરમાય નહીં અને આવા તત્વો પર કાયદોનો સંકજો કસાય તે માટે પોતાના વિભાગના અધિકારીઓને પોલીસ ફરિયાદ માટે આદેશ કર્યો હતો. કેસની વધુ તપાસ શરૂ કરતાં PI તરલ ભટ્ટે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.