રાજ્યમાં એક પછી એક સરકારી પરીક્ષાઓ વિવાદો ઉભા કરી રહી છે, ત્યારે રાજ્યમાં લેવાયેલી બિન સચિવાલય પરીક્ષાને લઇને મોટુ આંદોલન થયુ હતુ. 10 હજાર કરતાં વધુ ઉમેદવારો ગાંધીનગર સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે એકઠા થયા હતા, ત્યારે સરકાર ભીંસમાં મુકાઈ ગઈ હતી. પોલીસના અધિકારીઓ દ્વારા આંદોલનકારી નેતાઓને વાટાઘાટો કરવામાં મદદ કરી હતી, ત્યારે આંદોલનકારી નેતાઓની માગને વચલો રસ્તો કાઢીને સ્વીકારી હતી. SIT બનાવવાની માંગ સ્વીકારાયા બાદ 10 દિવસમાં તેનો નિર્ણય જાહેર કરશે, એવું પણ જણાવ્યું હતું.
તો બિન સચિવાલય પરીક્ષા મુદ્દે પુનઃ આંદોલનના એંધાણ...! - ગાંધીનગર ન્યુઝ
ગાંધીનગરઃ બિન સચિવાલય પરીક્ષા રદ થાય તે માટે આંદોલન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સરકાર અને પોલીસ અધિકારીઓ દ્વારા આંદોલનના વિદ્યાર્થી નેતા સાથે વાટાઘાટો કરવામાં આવી હતી. જેમાં SIT બનાવવાની માગને સ્વીકારાઈ હતી. આ સમયે 10 દિવસમાં રિપોર્ટ રજૂ કર્યા બાદ પરીક્ષા રદ કરવી કે નહીં તે અંગે નિર્ણયની જાહેરાત કરાઈ હતી. આજે દસ દિવસ પૂર્ણ થયા છે, જેથી આંદોલનની આગેવાની કરી રહેલા હાર્દિક પ્રજાપતિ અને યુવરાજ જાડેજા સહિતના આગેવાનો આજે સચિવાલય પહોંચ્યા હતા. કેબિનેટ બેઠક નહીં મળે તો ફરી આંદોલન વધુ ઉગ્ર રીતે કરવાની ચિમકી ઉચ્ચારી છે.
કેબિનેટ બેઠકમાં પરીક્ષા રદ કરવાનો નિર્ણય નહીં આવે તો પુનઃ આંદોલન ધમધમશે
SIT આંદોલનકારી નેતાઓ હાર્દિક પ્રજાપતિ, યુવરાજસિંહ જાડેજા, ભાવસિંહ સરવૈયા ગાંધીનગર સચિવાલય ખાતે પહોંચ્યા હતા. યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે, SITને દસ દિવસ પૂર્ણ થયા છે. રિપોર્ટ તૈયાર થઈ ગયો છે. પરંતુ મુખ્ય પ્રધાન હાજર ન હોવાના કારણે નિર્ણય બુધવારની કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. SIT દ્વારા અમારા 11 મોબાઈલ એફ.એસ.એલ.માં આપવામાં આવ્યા છે. જેમાં સ્પષ્ટ થયું છે કે પેપર લીક થયું હતું. હવે જો પરીક્ષા રદ કરવામાં નહીં આવે તો ફરીથી આંદોલન કરીશું.