ગાંધીનગર:ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. જુલાઈ મહિનામાં વરસાદ નોંધાયા બાદ સતત એક મહિનો એટલે કે ઓગસ્ટ માસમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં ફક્ત છૂટો છવાયો વરસાદ નોંધાયો હતો. હવે સપ્ટેમ્બર માસમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદ નોંધાયો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આવનારા 24 કલાકમાં જામનગર દ્વારકા પોરબંદર રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. કચ્છ અને મોરબી જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
છેલ્લા 24 કલાકની વરસાદની પરિસ્થિતિ: રાજ્યના સ્ટેટ ઇમરજન્સી સેન્ટર તરફથી છેલ્લા 24 કલાકના વરસાદના મળતા આંકડા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાના 248 તાલુકાઓમાં સરેરાશ 34.92 mm વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ જૂનાગઢના વિસાવદર તાલુકામાં 12.08 ઇંચ સરેરાશ વરસાદ નોંધાયો છે. આમ ગુજરાતમાં સીઝનનો કુલ 99.27 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. આ ચોમાસાની સિઝનમાં જૂન મહિનામાં 242.96 mm, જુલાઈ મહિનામાં 448.73 mm, ઓગસ્ટ મહિનામાં 25.49 mm અને સપ્ટેમ્બર માસમાં 152.99 mm વરસાદ નોંધાયો છે.
રાજ્યના 177 રસ્તાઓ બંધ: ભારે વરસાદના કારણે ગુજરાતમાં સવારે 09:00 વાગ્યાની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો કુલ 177 જેટલા રસ્તા સલામતીને ધ્યાનમાં લઈને બંધ કરવામાં આવ્યા છે. જેમાં ત્રણ નેશનલ હાઇવે 14 સ્ટેટ હાઇવે અને પંચાયત હસ્તકના કુલ 152 માર્ગ સહિત અન્ય આઠ માર્ગ બંધ કરવામાં આવ્યા છે. જ્યારે માર્ગ બંધ કરવાના કારણે એસટી બસના કુલ 65 જેટલા રુટ બંધ કરવાનો નિર્ણય પણ ગુજરાત રાજ્ય એસટી વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
રેસ્ક્યુની વિગતો:બરોડા 100, ભરૂચ 26, નર્મદા 390, દાહોદ 07, પંચમહાલ 177, આણંદ 105, અરવલ્લી 205, જૂનાગઢ 04 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 16,076 નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
હવામાન વિભાગે આપી માહિતી: રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં હાલ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે છેલ્લા બે દિવસથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇને વહીવટી તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં હાલ સૌથી વધારે વરસાદ નોંધાયો છે. એવામાં રાજકોટ જામનગર, મોરબી સહિતના વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે.
- Gujarat Rain: સૌરાષ્ટ્રને ઘમરોળશે મેઘરાજા, આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
- Jharkhand News: ગિરિગઢના સોના મહતો તળાવમાં પાંચ છોકરીઓ ડૂબી ગઈ, ચારની સ્થિતિ ગંભીર