રાજ્યમાં ગત 17 નવેમ્બરના રોજ લેવાયેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિઓ સામે આવતા ઉમેદવારોએ રજૂઆત કરી હતી. પરંતુ સત્તામાં બેસીને ભાન ભૂલેલા ભાજપના નેતાઓએ ઉમેદવારોની રજુઆતને બેધ્યાન કરતા 4નવેમ્બરના રોજ સરકારને નાકે દમ લાવી દીધો હતો. સવારથી જ રાજ્ય બહારના ઉમેદવારો સચિવાલય ઉપર ચઢાઈ કરવા પહોંચ્યા હતા, પરંતુ પોલીસે તમામની અટકાયત કરી હતી.
ગાંધીનગરના ઇતિહાસમાં પ્રથમ વખત આંદોલન ઉમેદવારો દ્વારા એક જ માંગ હતી કે ,પરીક્ષા રદ કરવામાં આવે. પરંતુ તેમની આ માંગણીને સરકારને થૂંકેલું ચાટવું પડે તેવું લાગતા ચોખ્ખી ના પાડી દીધી હતી. જેને લઇને ઘ-4થી મહાત્મા મંદિર તરફ જતા રોડ ઉપર ઉમેદવારોએ ધરણા શરૂ કર્યા હતા. આખી રાત ઠંડીમાં યુવાનો રોડ ઉપર અને તેની આજુબાજુ બેસી રહ્યા હતા અને રામધુન બોલાવતા હતા. જ્યારે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.
સ્થિતિને લઈને ગાંધીનગર જિલ્લા કલેકટર અને એસ.પી સ્થળ ઉપર જ જોવા મળ્યા હતા. ત્રણેય અધિકારીઓની કારમાં બેઠક પણ મળી હતી પરંતુ નિર્ણય ઉપર આવી શક્યા ન હતા. મોડી રાત્રે ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ ઉમેદવારો વચ્ચે જઈને કહ્યું હતું કે, તમે શાંતિથી બેસી રહો પોલીસ તરફથી તમને કોઈ પણ હેરાનગતિ કરવામાં આવશે નહીં પરંતુ કોઈની ખોટી વાતોમાં ન આવવાનું કહ્યું હતું.
ગાંધીનગર જિલ્લા અને શહેર કોંગ્રેસના નેતાઓ દ્વારા ઉમેદવારોને રાતભર નાસ્તો પુરો પાડવામાં આવ્યો હતો. વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલા, ગાંધીનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સૂર્યસિંહ ડાભી, ખુમાનસિંહ રાણા, મુકેશભાઈ મારુ સહિતના કાર્યકરો રાતભર યુવાનોની પડખે ઊભા રહ્યા હતા.
રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન અને ગુજરાત પ્રદેશ એનસીપીના પ્રમુખ શંકરસિંહ વાઘેલા આજે સવારે ઉમેદવારોને મુલાકાતે જાય તેવી શક્યતા જોવા મળી રહી છે. શંકરસિંહ વાઘેલાએ યુવાન સાથે ટેલિફોનિક વાત કરી હોવાની પણ માહિતી મળી હતી. તેમણે કહ્યું હતું કે પરીક્ષા રદ કરવાની માંગ સાથે આંદોલન કરી રહેલા ઉમેદવારોની સાથે હું છું તેમની સાથે જે થઇ રહ્યુ છે તે ના થવું જોઈએ.