ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, ત્યારે શુક્રવારે આદિજાતિ વિકાસ વિભાગ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પ્રધાન ગણપત વસાવાએ કહ્યું કે, સરકારે આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે 14,106 કરોડ રૂપિયા ફાળવ્યા છે. જેમાં અંબાજીથી ઉમરગામ સુધી સમગ્ર આદિવાસી પટ્ટાના વિકાસ માટે 1,100 કરોડ રૂપિયાના ખર્ચે ત્રણ સાયન્સ કૉલેજ બનાવવામાં આવશે.
આદિવાસી સમાજ પર સરકાર રીઝી, 14,106 કરોડ રૂપિયા ફાળવ્યાં આદિજાતિ વિકાસ પ્રધાન ગણપત વસાવાએ કહ્યું કે, સરકારે આદિવાસીઓ માટે ઉદારતા દાખવી છે. 1,100 કરોડના ખર્ચે મહુવા, ડેડીયાપાળા અને ખેરગામમા વિજ્ઞાન કૉલેજ બનાવવામાં આવશે, જ્યારે નવસારી અને રાજપીપલામાં 2 મેડીકલ કૉલેજ બનાવવામાં આવશે. દૂધ સંજીવની યોજના માટે 342 કરોડ, આદિવાસીઓના ઘર સુધી પાણી પહોંચે તે માટે નલ સે જલ યોજના માટે 850 કરોડ જ્યારે 622 કરોડની શિષ્યવૃત્તિ જાહેર કરવામાં આવી છે.
આદિવાસી સમાજના છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રહેવા અને ભોજન માટે 1,500 રૂપિયામાં આપવામાં આવતા હતાં, તેની જગ્યાએ 600 રૂપિયાનો વધારો કરી 2,100 રૂપિયા આપવામાં આવશે. આ ઉપરાંત નવી 10 છાત્રાલય કડાણા, નિઝર, સોનગઢ, બોડેલી, ગરબાડા અને વિજયનગર ખાતે કુમારો માટે બનાવવામાં આવશે. સરકાર દ્વારા હળપતિ અને આદિમ પણ પાયાની સુવિધા પૂરી પાડવા CCD પ્રોજેક્ટ હેઠળ 50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો ધોરણ 9માં અભ્યાસ કરતી 50 હજાર જેટલી વિદ્યાર્થિનીઓને વિદ્યા સાધન આપવામાં આવશે.
બોર્ડર વિલેજ યોજનામાં 60 કરોડ અને અનાવલ તથા કાવેરીના વિકાસ માટે 10 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. કહી શકાય કે, નીતિન પટેલ દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આદિવાસી સમાજ માટે તે બજેટને સુધારા વિના જ મંજૂર કરવામાં આવ્યું છે, ત્યારે આદિવાસી સમાજ ઉપર સરકારના ચારેય હાથ હોય તેવું જોવા મળી રહ્યું છે.