GMC 25 કરોડના બોન્ડ બહાર પાડશે ગાંધીનગર: ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધીનગર શહેરમાં વિકાસલક્ષી કામો અને તે બાબતના આયોજન અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. સામાન્ય સભા બાદ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશવંત પટેલે મીડિયા સાથેની વાતચીતમાં નિવેદન આપ્યું હતું કે આવનાર દિવસોમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન 25 કરોડના બોન્ડ ઇસ્યુ કરશે.
ગાંધીનગર મહાનગરપાલિકાની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બાદ ચેરમેન જશવંત પટેલ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાના રૂપિયા 25 કરોડના બોન્ડ બહાર પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં અત્યાર સુધી 12 જેટલા શહેરોએ બોન્ડ બહાર પાડ્યા છે. ગુજરાતની અંદર અમદાવાદ, વડોદરા અને સુરત શહેરે આ પ્રમાણેના બોન્ડ બહાર પાડેલા છે અને હવે ગાંધીનગર ચોથું એવું શહેર બનશે જે બોન્ડ બહાર પાડશે.
સૌપ્રથમ રૂપિયા 25 કરોડના બોન્ડ બહાર પાડવામાં આવશે અને ત્યારબાદ જો જરૂરિયાત જણાશે તો બીજા 25 કરોડના બોન્ડ બહાર પાડવામાં આવશે. આ અંગેની રાજ્ય સરકારની મંજૂરી મળ્યા બાદ બોન્ડ બહાર પાડવામાં આવશે, જયારે આનો ઉપયોગ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ થયેલ 18 જિલ્લા ગ્રામ્ય વિસ્તારોને ગ્રામ્ય અને શહેરી વિસ્તારનો મતભેદ દૂર થાય અને સમાંતર વિકાસના કામો થાય તેને ધ્યાનમાં લઈને જ આ નિર્ણય કરવામાં આવ્યો છે. - જશવંત પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન
ફાયર NOCના ભાવમાં વધારો: ગાંધીનગર મહાનગરપાલિકાને ફાયર એનઓસી મેળવવા અંગેના ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે આ ચાર્જ ત્રણ ગણો કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત કોઈ જગ્યાએ આગ લાગે કે બચાવ કામગીરીમાં જોડાય તો એ માટેના જે ચાર્જીસ હોય છે તેમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આજે સ્થાયી સમિતિની બેઠકમાં રખડતા કૂતરા માટે 30 નંગ મોટા પાંજરા ખરીદવાની મંજૂરી પણ આપવામાં આવી છે. આ કામગીરી અમદાવાદમાં જે એજન્સી કામકાજ કરી રહી છે તે જ એજન્સીને ગાંધીનગર મ્યુનિસિપલ કામ સોંપવાનો નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામાં આવ્યો છે.
ગાંધીનગરમાં કુલ 30 સેક્ટર આવેલા છે તે પૈકીના સેક્ટર 30ને મોડેલ સેક્ટર તરીકે વિકસાવવાનો નિર્ણય પણ આજની સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામાં આવ્યો છે. જ્યારે સેક્ટર 27, 28, 29, 30 અને 6 સેક્ટરમાં 80 કરોડના ખર્ચતા પાણી નવા તૈયાર કરવામાં આવશે સાથે જ વાયબ્રન્ટ ગુજરાત સમિટને ધ્યાનમાં લઈને ઇન્દિરા બ્રિજથી ગાંધીનગર સુધી રસ્તાની બંને બાજુ બ્યુટીફિકેશન કરવામાં આવશે. સાથે જ ભાઈજીપુરા ચાર રસ્તાથી સિગ્નેચર બ્રિજ સુધીનું પણ બ્યુટીફિકેશન કરવામાં આવશે.
- Diwali Bonus: આનંદો, વર્ગ 4ના 21000 જેટલા કર્મચારીઓને 7 હજાર રૂપિયા સુધીના બોનસની જાહેરાત
- Govt Officers Transfers : લોકસભા ચૂંટણીને લઇ અધિકારીઓની બદલીઓ શરુ, 3 દિ'માં 461 અધિકારીઓની બદલી, DYSP બદલી હાલ નહીં