રાજ્યમાં કૌભાંડો પર કૌભાંડ બહાર આવી રહ્યાં છે, ત્યારે હાલમાં જ ખાતર કૌભાંડને લઈને સમગ્ર રાજ્યમાં ખેડૂતોની સાથે છેતરપીંડી કરવામાં આવી હોવાના બનાવ સામે આવ્યાં હતાં. હવે માણસા GIDCમાં ગુરુવારે તિરુપતિ બીજ કંપનીમા કૃષિ વિભાગના અધિકારીઓ દ્વારા રેડ પાડવામાં આવી હતી. આ અંગે મદદનીશ ખેતી નિયામક આર.કે પટેલે કહ્યું કે, કંપનીમાં બે દિવસ પહેલાં નકલી બિયારણને લઇને જિલ્લાના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં નકલી બિયારણનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે ફરી એકવાર રેડ દરમિયાન બિયારણના પેકીંગ પર બેંચમાર્ક સહિતની વિગતો મળી નહોતી.
ખાતરમાં 'ખાતર' પડ્યાં બાદ હવે બિયારણ 'બી'ની બબાલ, લેબલ વગરનું બિયારણ ઝડપાયું
ગાંધીનગર: જિલ્લાના માણસા GIDCમાં આવેલી તિરુપતિ બીજ કંપનીમાં કૃષિ વિભાગના અધિકારીઓ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન અધિકારીઓને લેબલ વિનાનું બિયારણ મળી આવ્યું હતું. બે દિવસ પહેલા પણ ગાંધીનગર જિલ્લાના ખેતી વિભાગના અધિકારીઓ દ્વારા રેડ પાડવામાં આવી હતી. જ્યાંથી નકલી બિયારણનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો, ત્યારે કંપની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેના બે દિવસ બાદ ગુરુવારે પુનઃ રેડ કરતા લેબલ વિનાનું બિયારણ મળી આવ્યું છે.
આ અંગે અધિકારીએ કહ્યું કે, નકલી બિયારણ કહી ના શકાય, પરંતુ જે નિયમ નક્કી કરવામાં આવ્યાં છે. તે નિયમનો અમલ કરવામાં આવ્યો નથી. જ્યારે આ અસલી છે કે નકલી તેના સેમ્પલ ગાંધીનગર લેબોરેટરીમાં મોકલાયા બાદ રિપોર્ટ પછી કંઈક કહી શકાશે. ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી આર.આર. રાવલે કહ્યું કે, માણસા GIDCમાં તિરુપતિ બીજ કંપની દ્વારા નકલી બિયારણ બનાવવામાં આવતું હોવાની વાતને લઈને બે દિવસ પહેલા જિલ્લાના અધિકારીઓ દ્વારા રેડ પાડવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, કંપની દ્વારા નકલી બિયારણ બનાવવામાં આવી રહી છે. જ્યારે બિયારણ બનાવતી કંપની લાયસન્સ વિના ધમધમી રહી છે. અહીં કૃષિ વિભાગના અધિકારીઓ દ્વારા માણસા GIDCમાં રેડ કરવામાં આવી હતી.
આ રેડમાં તપાસ દરમિયાન નકલી બિયારણનો જથ્થો મળી આવ્યો છે, તેવી માહિતી મળી છે. આગામી દિવસોમાં ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં ન આવે તે માટે સમગ્ર જિલ્લામાં નકલી બિયારણ બાબતે તપાસ હાથ ધરવામાં આવશે.