ગાંધીનગર: ગુજરાતના માર્ગ અને મકાન વિભાગને દર વર્ષે રૂપિયા 9,000 કરોડથી વધુ રકમ સરકાર દ્વારા ફાળવવામાં આવે છે. જેના થકી રોડને પહોળા કરવા, નવા રસ્તાઓના બાંધકામ, અંડરબ્રિજ-ઓવરબ્રિજ સહિતના અનેક વિકાસ કામો રાજ્યભરમાં હાથ ધરવામાં આવે છે. રાજયના ખમીરવંતા સરહદી જિલ્લા એવા કચ્છના વિકાસ માટે રાજ્ય સરકાર સવિશેષ મહત્વ આપી રહ્યું છે તેમ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા ગાંધીનગર ખાતેથી વીડીયો કોન્ફરન્સના માધ્યમ થકી માર્ગ અને મકાન વિભાગના વિવિધ વિકાસના કામોનું ઈ-ભૂમિપૂજન તેમજ ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
કોરોના મહામારી વચ્ચે રાજયની વિકાસયાત્રા અવિરત રહે એ સરકારનો નિર્ધાર: નીતિન પટેલ
ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન અને માર્ગ-મકાનપ્રધાન નીતીનભાઈ પટેલે જણાવ્યું છે કે, કોરોનાની વૈશ્વિક મહામારી અંતર્ગત પણ જનહિતના કામોને પ્રાધાન્ય આપીને રાજયની વિકાસયાત્રાને આગળ વધારવી એ અમારો નિર્ધાર છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિકાસકામો રાબેતા મુજબ શરૂ થાય એ માટે ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને યોગ્ય કરવા સબંધિતોને સૂચનાઓ પણ આપી દીધી છે. જે કામો પૂર્ણ થયા છે અને નવા કામો શરૂ કરવાના છે એ માટે ઈ-લોકાર્પણ, ઈ-ભૂમિપૂજન/ખાતમુહૂર્તનો નવતર અભિગમ દાખવ્યો છે. જેના પરિણામે લોકોને એકત્ર ન કરવા પડે, સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય અને કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકી શકે છે
પખવાડિયા પહેલા જ આ મુદ્દે રિવ્યુ બેઠક કરાઈ છે. હવે માત્ર સ્થાનિકકક્ષાએ કેટલાંક વિસ્તારની જમીન સંપાદનની કામગીરી બાકી છે તે પણ સ્થાનિક અગ્રણીઓના સહયોગથી પૂર્ણ થવાની તૈયારીમાં છે. એટલે ખેતી તેમજ પીવા માટે કચ્છ જિલ્લાના નાગરિકો અને ખેડૂતોને નર્મદાનું પાણી ખૂબ જ ઝડપથી મળતું થઈ જશે.
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની ઉપસ્થિતિમાં ભુજ સર્કિટ હાઉસ ખાતેથી કચ્છ જિલ્લાના નખત્રાણા ખાતે રૂપિયા 2.73 કરોડના ખર્ચે નવનિર્મિત વિશ્રામગૃહનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત રૂપિયા 71.76 કરોડના ખર્ચે તૈયાર થનાર વિવિધ ત્રણ રસ્તાઓના કામોના ઈ-ભૂમિપૂજન કરવામાં આવ્યા હતા. જેમાં નખત્રાણા તાલુકાના ભુજ-લખપતના તેમજ દયાપર-સુભાષપર-પાન્ધ્રો રસ્તાની વળાંક સુધારણા અને મજબૂતીકરણ તથા અને નખત્રાણા-નિરોણા-લોરીયા રસ્તાને પહોળો તેમજ મજબુતીકરણ કરવાના કામોનું ઈ-ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત ગઢસીસા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું પણ ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મહત્વના મુદ્દાઓ :
- રાજ્યના વિવિધ વિકાસ કામો શરૂ: સરખેજ-ગાંધીનગર સિક્સલેન હાઈ-વે, રાજકોટ-અમદાવાદ સિક્સ લેન હાઈ-વે, તારાપુર-વાંસદ સિક્સ લેન હાઈ-વે સહિતના વિવિધ મોટા પ્રોજેક્ટ પુન: શરૂ.
- ભુજ સર્કિટ હાઉસથી કચ્છ જિલ્લાના નખત્રાણામાં નવનિર્મિત વિશ્રામગૃહનું ઈ-લોકાર્પણઃ રૂપિયા 71.76 કરોડના ખર્ચે તૈયાર થનાર વિવિધ ત્રણ રસ્તાના કામોના ઈ-ભૂમિપૂજન સંપન્ન.
- કચ્છ જિલ્લામાં નર્મદાનું પાણી મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ.
- કચ્છ જિલ્લાના નર્મદાના પાણીના પ્રશ્નના નિરાકરણ માટે આ વર્ષે રૂપિયા 1000 કરોડનું બજેટ ફાળવાયું.