ચોમાસું સીઝનમાં મચ્છરજન્ય (વાહકજન્ય) રોગોના નિયંત્રણ અને રોગચાળા અટકાયતી પગલાં લેવા માટે નાયબ મુખ્યપ્રધાન નિતીનભાઇ પટેલ તેમજ આરોગ્ય કમિશ્નરના માર્ગદર્શન હેઠળ રાજય કક્ષાની બેઠકમાં બાયોલોર્જીકલ કંટ્રોલ ( જૈવિક નિયંત્રણ)ની કામગીરી પર ભાર મુક્વામાં આવ્યો હતો. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા મચ્છર જન્ય રોગો નિયંત્રણ કરવા માટે ગપ્પી માછલી મુકવાની કામગીરી કરવામાં આવી રહી છે.
નાયબ મુખ્યપ્રધાનની ટકોર બાદ આરોગ્ય વિભાગ દોડ્યું, 2 દિવસમાં 500 જગ્યાએ ગપ્પી માછલી મૂકાઈ
ગાંઘીનગર: રાજ્યમાં વરસાદના વિરામ બાદ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાઈ રહ્યો છે અને જિલ્લાઓમાં સાદા તાવ અને મેલેરિયાના કેસમાં ઉછાળો જોવા મળે છે ત્યારે નાયબ મુખ્યપ્રધાન દ્વારા બે દિવસ પહેલા તમામ જિલ્લાના મેલેરીયા અધિકારીઓ સાથે બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં મચ્છર જન્ય રોગચાળો અટકાવવા માટે ગપી માછલી મૂકવાની સૂચન આપવામાં આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. જિલ્લાના રૂપાલ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી ગપ્પી માછલી મુકવાના અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે.
ચોખ્ખા સંગ્રહિત અને સ્થિર પાણીના સ્ત્રોત્રમાં મચ્છરો ઇંડા મુકે છે. ઇંડામાંથી પોરા, પ્યુપા તથા અંતમાં પુખ્ત મચ્છર બને છે. ગાંધીનગરના ચાર તાલુકાના 528 સ્થળોએ ગપ્પી માછલી મુકવામાં આવી છે. આ ગપ્પી માછલી પોરા ખાય છે, જેથી મચ્છરો બનતા નથી. તેમજ બાયોલોજીકલ કંટ્રોલ કામગીરી પર્યાવરણની ર્દષ્ટિએ નુકશાનકારક નથી. આ કામગીરી પાછળ કોઇ જ વિશેષ ખર્ચ થતો નથી. આ માછલીનું સરેરાશ આયુષ્ય ચાર વર્ષનું હોય છે. જેથી બાયોલોર્જીકલ કંટ્રોલ કામગીરી લાંબાગાળા સુઘી અસરકારક રહે છે. આમ ગપ્પી માછલી દ્વારા પોરાનાશક કામગીરી ખૂબ સરળ અને અસરકારક છે.
ગાંધીનગર જિલ્લામાં વાહકજન્ય રોગ નિયંત્રણ અને અટકાયતી કામગીરી અન્વયે દર ગુરૂવારે તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા તેઓના વિસ્તારમાં કન્સ્ટ્રકશન સાઇડ ખાતે સર્વેલન્સ, લેબર સ્કીનીંગ તેમજ એન્ટીલાર્વલ જેવી કામગીરી કરવામાં આવે છે. જેના ભાગરૂપે જિલ્લામાં 218 કન્સ્ટ્રકશન સાઇટ ખાતે કામગીરી હાથ ઘરવામાં આવી છે.