ગુજરાત

gujarat

અનુસૂચિત જનજાતિના વિકાસ મુદ્દે કોંગ્રેસે વિધાનસભા ઘમરોળી, સરકાર સામે ગંભીર સવાલ ઉભા કર્યા

By

Published : Jul 17, 2019, 9:44 AM IST

ગાંધીનગરઃ અનુસૂચિત જનજાતિના વિકાસ અને રાજ્ય સરકારના બજેટમાં ફાળવાયેલી રકમ મુદ્દે કોંગ્રેસ વિધાનસભા ગૃહમાં સત્તાધારી પક્ષ સામે સવાલ ઉભા કર્યા હતા. અનુસૂચિત આદિજાતિ વિકાસ વિભાગ પર વિશેષ ચર્ચા માટે કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી હતી. ચર્ચા દરમિયાન કોંગ્રેસ સરકારને આડે હાથ લેતાં આદિવાસી વિરોધી હોવાની ઉપમા પણ આપી દીધી હતી.

અનુસૂચિત જનજાતિના વિકાસ મુદ્દે કોંગ્રેસે વિધાનસભા ઘમરોળી, સરકાર સામે ગંભીર સવાલ ઉભા કર્યા

વિધાનસભા ગૃહમાં આજે અનુસૂચિત આદિજાતિ વિકાસ વિભાગ પર ખાસ માંગણી પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં આદિજાતિ વિકાસ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા સરકાર સામે પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ ધારાસભ્ય અનિલ જોશીયારાએ ગૃહમાં પોતાની વાત રજૂ કરતાં કહ્યું હતુ કે, સરકારે આ વર્ષે આદિવાસીઓની 17.97 ટકા વસ્તી સામે ફક્ત 7.1 ટકા બજેટ ફાળવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં આદિવાસીઓની વસ્તી 1 કરોડથી વધુ છે. જે રાજ્યની વસ્તીમાં 18 ટકા હિસ્સો ધરાવે છે. આ માટે રાજ્ય સરકારના બજેટમાં આદિવાસીઓ માટે 17.97 ટકા બજેટ હોવું જોઈએ અને 35,734 કરોડ રૂપિયા ફાળવવા જોઈએ.

બીજી તરફ રાજ્યના વિકાસમાં આદિવાસી વિસ્તાર વિકાસનું આયોજન જુદા-જુદા વિભાગ કરે છે. ઉપરાંત સરકારના આ આયોજનના કારણે આદિવાસી માટે ફાળવાયેલું બજેટ વપરાતું નથી. છેલ્લા 11 વર્ષમાં આદિવાસી વિસ્તારોમાં સરકારે ફક્ત 89,100 કરોડ રૂપિયા જ ફાળવ્યાં છે. અનિલ જોશીયારાએ સિંચાઈ અને ભૂમિ સંરક્ષણ વિભાગની માંગણી અને ચર્ચા વિશે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે આદિવાસી વિસ્તારમાં 9022 કરોડની ગ્રાન્ટ વાપરી છે, છતાં સિંચાઈની સુવિધા મળી નથી. આદિવાસી વિસ્તારમાં ડેમની સુવિધા કરવામાં આવે તો પાણીની સગવડ મળે તેમ છે. માર્ગ અને મકાન વિભાગે 7949 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છતાં પાકા રસ્તા મળ્યાં નથી. જ્યારે કલમ 275 મુજબ આદિવાસી વિસ્તારમાં કરવો પડતો ગ્રાન્ટનો વધારો પણ કરાયો નથી.

કોંગ્રેસના સુખરામ રાઠવાએ આદિવાસી વિભાગ માટે અલગ બજેટ ફાળવવાની માંગણી કરી હતી. જ્યારે સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું હતુ કે આદિવાસીઓની ગ્રાન્ટ અન્ય જગ્યાએ વપરાય છે. બીજા વિભાગને ફાળવી દેવામાં આવે છે. જ્યારે દાહોદના ધારાસભ્ય વજેસિંહ પાંડાએ જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રે સૌથી વધુ ડ્રોપ આઉટ રેશિયો દાહોદમાં છે. આ વિસ્તારમાં ડૉક્ટરો નથી, નર્સો નથી, આરોગ્ય કેન્દ્રો નથી. જો કોઈ વ્યક્તિને કુતરુ કરડે તો રસી મૂકવા માટે પણ કોઈ નથી. ચાર-ચાર દિને પીવાનું પાણી આવે છે. સૌથી વધુ હેન્ડ પંપ પણ દાહોદમાં છે.

ચંદ્રિકાબેન બારિયાએ આદિવાસી મુદ્દે ચર્ચા કરતા માંગણી કરી હતી કે આદિવાસી વિસ્તારોમાં વધઉમાં વધુ આશ્રમશાળાઓ અને છાત્રાલયો આપવામાં આવે, ફૂટપાથ પર રહેતા લોકો માટે રૈન બસેરા ઉપ્લબ્ધ કરાવવામાં આવે, ઉપરાંત મોટાભાગની શાળાઓમાં શિક્ષકો નથી તો વધુ શિક્ષકો આપવા માટે માગણી કરી હતી.

ABOUT THE AUTHOR

...view details