ગાંધીનગર:રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ લેન્ડફોલ થયા બાદ જુદા જુદા જિલ્લાઓની સ્થિતિ અંગે વિસ્તારથી માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સૌથી વધારે નુકસાન પીજીવીસીએલ વિભાગને થયું છે. અનેક જિલ્લાઓમાં વીજપોલ પડી ગયા છે. સીએમ ભુપેન્દ્ર પટેલ, મુખ્ય સચિવ અધ્યક્ષતામાં બેઠક કરી હતી. જેમાં વાવાઝોડા અંગે તથા નુકસાન અંગે ચર્ચા કરવામાં આવી હતી. પ્રભાવિત જિલ્લાના કલેકટરો સાથે વિડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમા જે તે જિલ્લામાં થયેલા નુકસાન અંગે પ્રાથમિક રીપોર્ટ તૈયાર કરવા અંગે સૂચના અપાઈ હતી.
સૌથી વધુ કચ્છમાં અસર:કચ્છના જિલ્લાના 3 રોડ બંધ કરવામાં આવ્યા છે. આગળના રોડ-રસ્તાઓ ડેમેજ થવાને કારણે રસ્તાઓ બંધ કરાાય છે. રાજ્યના જુદા જુદા કાંઠાળા વિસ્તારના 4600 ગ્રામ્ય વિસ્તારો લાઈટ કપાઈ હતી. 3500 થી વધુ ગ્રામ્ય વિસ્તારોને વીજ પુરવઠો પરત શરૂ કરવામાં આવ્યો છે. કાચા મકાનો 20, ઝૂપડા ૨૦ સંપૂર્ણ રીતે નાશ થયા છે. 2 પાકા મકાનોમાં નુકશાની થઈ છે. વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારનો સર્વે કરવા માટે આદેશ દેવામાં આવ્યા છે. વાવાઝોડા પછી ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે તેના વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં હજુ સુધી કોઈ માનવ જાનહાનિના અહેવાલ નથી. હાલમાં, મુન્દ્રા, જઠુઆ, કોટેશ્વર, લખફટ અને નલિયામાં ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે.
દ્વારકામાં અનેક મકાનો ધરાશાયી: દ્વારકામાં આખી રાત ભારે પવન ફૂંકાયો હતો. આ સાથે વરસાદ પણ હતો. જેના કારણે દ્વારકાના મેઇન બજાર કહેવાતા વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાઇ ગયા છે. દ્વારકા પ્રસિધ્ધ યાત્રાધામ સ્થળમાં વેપાર-ધંધા સજ્જડ બંધ કરી દેવાયા છે. શહેરમાં અનેક સ્થળે મહાકાય વૃક્ષો, થાંભલા ધસી પડયા હતા. આ ઉપરાંત મકાનો, કારખાનાના શેડ, છાપરાં ઉડી ગયા હતા. બપોર પછી પવનનું જોર પહેલા 80 સુધીનું રહ્યા બાદમાં 100 કિ.મી.એ પહોંચ્યું હતું. દ્વારકામાં રૂપેણ બંદર કે જેને અગાઉ ખાલી કરાવાયું છે. ત્યાં કાંઠા ઉપરના ઘરોમાં, માછીમારોના દંગાઓમાં દરિયાના પાણી ઘુસી ગયા હતા.
જામનગરમાં વૃક્ષો અને વીજપોલ ધરાશાયી: વાવાઝોડાની અસરના પગલે જામનગરમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જિલ્લા પંચાયતના પાછળના રસ્તામાં ત્રણથી ચાર જેટલા વૃક્ષો ધરાશાયી થયા હતા. આ ઉપરાંત ત્રણ જેટલા વીજપોલ પણ ધરાશાયી થયા હતા. જોકે આ દરમિયાન કોઈ જાનહાની થઇ ન હતી. જમનાગરના પ્રભારી પ્રધાને માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યના સીએમ જામનગર આવી શકે છે. સીએમ જામનગર, દ્વારકા અને કચ્છની મુલાકાત લેશે. હવાઈ નિરીક્ષણ તથા સમીક્ષા બેઠક કરી શકે છે. સમગ્ર જિલ્લામાં 200 જેટલા વૃક્ષો થયા ધરાશાયી છે અને 1200 જેટલા વિજપોલ થયા ધરાશાયી છે. પીજીવીસીએલની અનેક ટીમો કામગીરીમાં જોડાઈ છે અને 200 જેટલા વીજ પોલ ફરીથી ઊભા કરી દેવામાં આવ્યા છે.