- ગુજરાત સરકારે કર્યું કોરોના વૅક્સીનનું આયોજન
- કોરોનાના રસીકરણ માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના
- રાજ્યમાં તમામ કેન્દ્રોમાં રોજના 100 લોકોને આપવામાં આવશે ડોઝ
- એક દિવસમાં સમગ્ર રાજ્યમાં કુલ 16 લાખ લોકોને અપાશે ડોઝ
- એક વ્યક્તિને 28 દિવસમાં 2 વખત ડોઝ આપવામાં આવશે
- ડોઝ લેવા માટે અગાઉ રજીસ્ટ્રેશન ફરજીયાત
ગાંધીનગર: સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે, ત્યારે ભારત દેશમાં કોરોના વૅક્સીન જલ્દીથી પ્રાપ્ત થશે. જ્યારે કેન્દ્ર સરકારે ગુજરાત, પંજાબ, આસામ અને આંધ્રપ્રદેશ એમ કુલ ચાર રાજ્યમાં ડ્રાય રન શરૂ કરવાની સુચના આપી છે, જેના ભાગરૂપે 28 અને 29 ડિસેમ્બરે ગુજરાતના ગાંધીનગર અને રાજકોટ શહેરમાં કોરોના વૅક્સીનને લઈને ડ્રાય રન કરવામાં આવ્યો છે. જ્યારે રાજ્યના અગ્ર આરોગ્ય સચિવ જયંતિ રવિએ જાહેરાત કરી હતી કે, રાજ્ય સરકારે કોરોના વૅક્સીન માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સે રચી છે, જેમાં વૅક્સીનેશનમાં પ્રખ્યાત ડૉક્ટરોને સામેલ કરવામાં આવ્યા છે.
1 વ્યક્તિ ને 28 દિવસમાં આપવામાં આવશે 2 ડોઝ
કોરોના વૅક્સીનેશન બાબતે આરોગ્ય અગ્રસચિવ જયંતિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં પ્રતિ વ્યક્તિને 28 દિવસની અંદર બે કોરોના વૅક્સીનના ડોઝ આપવામાં આવશે. જ્યારે આ કોરોના વ્યક્તિના ડોઝ ફક્ત 18 વર્ષથી ઉપરની વ્યક્તિઓને જ આપવામાં આવશે. આ વૅક્સીન ડોઝ લેવા માટે અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રાખવામાં આવ્યું છે.
સ્ટેટ લેવલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી
કોરોના વૅક્સીન માટે જયંતિ રવિ વધુમાં જણાવ્યું હતું કે, વૅક્સીનેશનને ધ્યાનમાં લઈને સ્ટેટ લેવલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત તમામ જિલ્લા અને તાલુકામાં પણ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. જેમાં એક્સપોર્ટ ડૉક્ટરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પ્રથમ તબક્કામાં આરોગ્યકર્મીઓને આપવામાં આવશે વૅક્સીન
કેન્દ્ર સરકારના જણાવ્યા પ્રમાણે પ્રથમ તબક્કામાં ફક્ત આરોગ્ય કર્મચારીઓને જ વૅક્સીન આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં કુલ 4.31 લાખ સરકારી અને ખાનગી આરોગ્ય કર્મચારીઓની ગણતરી કરવામાં આવી છે, ત્યાર બાદ પ્રથમ હરોળના કોરોના વૉરિયર્સ, ત્યારબાદ 50 વર્ષથી વધુની ઉંમરની વ્યક્તિઓ અને ત્યારબાદ 50 વર્ષથી નાના પણ ગંભીર રોગથી પીડાતા લોકોને વૅક્સીન આપવામાં આવશે.