પ્રઘાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 728 આવાસ માટે કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો યોજાયો
ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા આજે સોમવારે કુડાસણ અને સરગાસણ ખાતે બનાવવામાં આવેેલા પ્રધાનમંત્રી આવાસ માટે ડ્રો કરવામાં આવ્યો હતો. આવાસ માટે ચાર હજાર કરતા વધુ અરજીઓ આવી હતી. જેમાંથી 728 મકાનો માટે ડ્રો યોજવામાં આવ્યો હતો. પરંતુ હજુ પણ 79 મકાનો માટે ડ્રો યોજાવાની શક્યતા પૂરેપૂરી જોવા મળી રહી છે. જેથી જે લોકોને મકાન મળ્યુ નથી, તેમને નિરાશ થવાની જરૂર નથી.
ગાંધીનગર: ગુડાના કુડાસણ અને સરગાસણ ખાતેના પ્રઘાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આજે EWS II કક્ષાના 728 આવાસ માટે કોમ્પ્યુટરાઇઝડ ડ્રો યોજાયો હતો. ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા ટી.પી. સ્કીમ નંબર 6 (કુડાસણ)ના ફાળવણી પ્લોટ નંબર 173 તથા ટી.પી.સ્ક્રીમ નંબર 8 (સરગાસણ)ના ફાળવણી પ્લોટ નંબર 47માં પ્રઘાનમંત્રી આવાસ યોજના અંતર્ગત EWS II કક્ષાના 728 આવાસો માટે આજે સોમવારે કોમ્પ્યુટરાઇઝડ ડ્રો મહેસૂલ પ્રધાન કૌશિકભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો.
ડ્રોમાં ફાળવવામાં આવેેલા આવાસની કુલ કિંમત 8.50 લાખ છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ યૂનિટ 1.50 લાખ અને રાજય સરકાર દ્વારા પણ પ્રતિ યુનિટ 1.50 લાખ સહાયક અનુદાન બાદ કરીને લાભાર્થીને રૂ. 5.50 લાખમાં (મેન્ટેનન્સ 50 હજાર અલગથી) ફાળવવામાં આવશે. જ્યારે આ યોજનામાં ઘણા મકાન હજુ પણ અનામત રાખવામાં આવ્યા હતા. તેમની સંખ્યાના ફોર્મ મળ્યા નથી. ત્યારે, આગામી સમયમાં ગુડા દ્વારા બાકી રહી ગયેલા મકાનો માટે પુનઃ ડ્રો કરવામાં આવે તેવી શક્યતાઓ પૂરેપૂરી જોવા મળી રહી છે.