મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે લોકસભામાં રજૂ થયેલ દેશના નાણાકીય બજેટ ઉપર નિવેદન આપ્યું હતું ગાંધીનગર : લોકસભામાં આજે દેશના નાણાંપ્રધાન નિર્મલા સીતારામને નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યું છે. જેમાં ગુજરાતને પણ અનેક મહત્વના લાભ થયા છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે લોકસભામાં રજૂ થયેલ દેશના નાણાકીય બજેટ ઉપર નિવેદન આપ્યું હતું કે આ બજેટ ભારતના 2047 અમૃતકાળના રોડમેપનું બજેટ છે. તેમણે કહ્યું કે બજેટમાં ગુજરાતની ડાયમંડ ઇન્ડસ્ટ્રી, ગિફ્ટ સિટી IFSCA માટે લાભદાયી જોગવાઇઓ કરવામાં આવી છે.
અમૃત કાળનું બજેટ : સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના નાણાંપ્રધાન નિર્મલા સીતારામને રજૂ કરેલા વર્ષ 2023-24ના કેન્દ્રીય બજેટને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે 2047 ના દેશના અમૃતકાળનો રોડમેપ કંડારતું બજેટ ગણાવ્યું છે. આ બજેટને ગરીબ, વંચિત, પીડિત, શોષિત સહિત મધ્યમવર્ગીય પરિવારોના હિતોને ધ્યાનમાં રાખી તૈયાર થયેલું સર્વસમાવેશી, સર્વસ્પર્શી અને સર્વગ્રાહી બજેટ તરીકે આવકાર્યુ છે.
આ પણ વાંચો Budget 2023 Highlight: જાણો મોદી સરકારના બજેટની મોટી અને મહત્વની જાહેરાતો
ખેડૂતો માટે મહત્વની જાહેરાત કેન્દ્ર સરકારના બજેટ મુદ્દે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્રીય બજેટમાં ખેડૂતો ખાસ કરીને નાના સીમાંત ખેડૂતો, કોઓપરેટીવ્ઝ તેમજ મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો માટે કરવામાં આવેલી જાહેરાતો આવકારદાયક ગણાવી છે અને આભાર વ્યક્ત કર્યો છે. દેશના લાખો લોકોના ઘરના ઘરનું સપનું સાકાર કરવા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 66 ટકાનો વધારો વડાપ્રધાનશ્રીની સૌને આવાસની પ્રતિબદ્ધતાનું પૂરક બનશે.
ગુજરાતને થશે ફાયદો : સીએમ ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે ગિફ્ટ સિટીમાં IFSCA ખાતે વ્યાપાર વૃદ્ધિ માટેની નવતર પહેલ તેમજ લેબગ્રોન ડાયમન્ડના ઉત્પાદનને વૃદ્ધિ આપવાનો આગવો પ્રયાસ ગુજરાતના વેપાર-ઉદ્યોગ-વાણિજ્ય માટે લાભદાયી નિવડશે.
લાઇવ બજેટ નિહાળ્યું :સીએમ ભુપેન્દ્ર પટેલે લાઈવ બજેટ નિહાળ્યું હતું. મધ્યમવર્ગીય પરિવારોને ઇન્ક્મટેક્સમાં રાહત આપવા સાથે આઝાદીના અમૃત કાળનું આ બજેટ સપ્તર્ષિ-સાત મુદાઓને આધારે વડાપ્રધાનશ્રીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં આત્મનિર્ભર-સશક્ત ભારતની નેમ સાકાર કરશે. બજેટના જીવંત પ્રસારણ નિહાળતાં તેઓની સાથે મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સલાહકાર ડૉ. અઢિયા તેમજ સલાહકાર રાઠૌર અને મુખ્યપ્રધાન કાર્યાલયના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયાં હતાં.
આ પણ વાંચો Budget 2023 : નિર્મલા સીતારમણએ મધ્યમવર્ગ માટે બજેટમાં શું આપ્યું?
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રતિક્રિયા પણ સામે આવી : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ બજેટ વિશે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, વર્ષ 2023-2024 ના સામાન્ય અંદાજપત્રમાં 'શ્રી અન્ન'ના ઉત્પાદક ખેડૂતો માટેની પ્રોત્સાહક વ્યવસ્થાઓથી નાના ખેડૂતોને મોટો લાભ થશે. ગુજરાતના ડાંગ જિલ્લા ઉપરાંત આદિવાસી વિસ્તારોમાં નાના ખેડૂતો જાડા ધાન-'શ્રી અન્ન'ની ખેતી કરે છે. અંદાજપત્રની જોગવાઈઓથી મિલેટ્સની ખેતી કરતા ગુજરાતના ખેડૂતોને પ્રોત્સાહન મળશે. નાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા ઉત્સાહિત થશે. એટલું જ નહીં, 'શ્રી અન્ન' અને પ્રાકૃતિક કૃષિથી લોકોનું સ્વાસ્થ્ય પણ સુધરશે.
એગ્રીકલ્ચર એક્સીલરેટર ફંડની જોગવાઈ : સમર્થ અને સંપન્ન ભારતની સંકલ્પના સાકાર કરવા માટેના અમૃતકાળના આ લાભદાયી અંદાજપત્ર માટે અભિનંદન આપતાં અને આભાર માનતાં તેમણે કહ્યું હતું કે, ગ્રામીણ વિસ્તારોમાં યુવાનો પ્રયોગશીલ કૃષિ માટે પ્રેરાય એ હેતુથી એગ્રીકલ્ચર એક્સીલરેટર ફંડની જોગવાઈ કરવામાં આવી છે. આ જોગવાઈથી કૃષિ ક્ષેત્રે ઉત્પાદકતા અને ખેડૂતોની આવક વધશે. રૂપિયા 2200 કરોડના આત્મનિર્ભર ક્લીન પ્લાન્ટ પ્રોગ્રામથી સારી ગુણવત્તાવાળા, રોગમુક્ત બાગાયતી પાકોનું ઉત્પાદન વધશે. બજેટની આ જોગવાઈઓથી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિને વિશેષ પ્રોત્સાહન મળવાની સંભાવના તેમણે વ્યક્ત કરી હતી.