ગુજરાત

gujarat

ETV Bharat / state

હાઈકોર્ટે ચૂકાદા પર સ્ટે ન આપતા વિધાનસભાના સ્પીકર ધોળકા બેઠક તાત્કાલિક ખાલી જાહેર કરેઃ ધાનાણી

વર્ષ 2017 ધોળકા વિધાનસભાની જીતમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયો હોવાનું સ્વીકારતાં ગુજરાત હાઇકોર્ટે કાયદાપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની જીતને રદ જાહેર કરતા બુધવારે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ સ્પીકરને પત્ર લખી ધોળકા બેઠકને ખાલી જાહેર કરવા માગ કરી છે.

હાઈકોર્ટે ચૂકાદા પર સ્ટે ન આપતાં વિધાનસભાના સ્પીકર ધોળકા બેઠક તાત્કાલિક ખાલી જાહેર કરેઃ ધાનાણી
હાઈકોર્ટે ચૂકાદા પર સ્ટે ન આપતાં વિધાનસભાના સ્પીકર ધોળકા બેઠક તાત્કાલિક ખાલી જાહેર કરેઃ ધાનાણી

By

Published : May 13, 2020, 4:43 PM IST

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ તરફથી વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીને પત્ર લખી ધોળકા બેઠક તાત્કાલિક ધોરણે ખાલી જાહેર કરવામાં આવે તેવી માગ કરી હતી. નોંધનીય છે કે ધાનાણીએ ગુજરાત હાઇકોર્ટના ચૂકાદા પર ભાર આપતાં કહ્યું કે, જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે આપેલા ચૂકાદા પર સુપ્રીમમાં અરજી કરવામાં આવે ત્યાં સુધી ચૂકાદા પર સ્ટે આપવાનું ફગાવી દેતાં ચૂકાદો 12મી મેથી અમલી બને છે. જેથી ધોળકા બેઠકને ખાલી કરવામાં આવે.

કોંગ્રેસ આ મુદ્દે આક્રમક મૂડમાં દેખાઈ રહી છે ત્યારે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા દ્વારા ૧૩મી મેના રોજ ગુજરાત હાઇકોર્ટના આદેશને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. ગુજરાત હાઇકોર્ટના ચૂકાદા પર સ્ટે આપવામાં આવે તેવી માગ સાથે રીટ દાખલ કરાઇ છે. આગામી દિવસોમાં આ મુદ્દે વધુ સુનાવણી હાથ ધરી શકે છે.

નોંધનીય છે કે, થોડાક મહિના પછી રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે અને તેમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા મતદાન કરી શકશે કે કેમ એ મુદ્દે પણ હાલ કોઈ સ્પષ્ટતા નથી. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી રિટમાં આ મુદ્દે પણ સુનાવણી હાથ ધરાઈ શકે છે. કોંગ્રેસના અશ્વિન રાઠોડ કે જે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સામે ઉમેદવાર તરીકે હતાં તેમણે બે વર્ષની લાંબી લડાઇ બાદ ન્યાય મળતાં ન્યાયપાલિકાનો આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા પર ભ્રષ્ટાચાર અને ગેરરીતિથી ચૂંટણી જીત્યાં હોવાનું સાબિત થતા કોર્ટે તેમની ધોળકા વિધાનસભા બેઠકની જીત રદ કરી હતી. નોંધનીય છે કે, ચૂડાસમા ભાજપના ખૂબ જ વરિષ્ઠ નેતા છે અને આટલી લાંબી કારકિર્દીમાં તેમના પર આટલા ગંભીર પ્રકારના આક્ષેપો પહેલીવાર લાદવામાં આવ્યાં છે. હાઈકોર્ટે ચૂકાદામાં માન્યું હતું કે, ધોળકાના રિટર્નિંગ ઓફિસર ધવલ જાનીએ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને લાભ અપાવવા માટે ખોટી રીતે ચૂંટણી પંચના નિયમોને નેવે મૂકી ગેરરીતિ અને ભ્રષ્ટાચાર આચર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details