ગાંધીનગર : રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ વિધાનસભા ગૃહમાં અંબાજી વિસ્તાર અને વિકાસ યાત્રાધામ પ્રવાસ અને નિયમન અંગેનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાનના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે વિધાનસભા ગૃહમાં નિવેદન આપ્યું હતું કે, રાજ્યમાં અનેક પવિત્ર યાત્રાધામના મંદિરો પ્રસિદ્ધ છે. બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં આવેલા અંબાજી માતાનું મંદિર સુપ્રસિદ્ધ છે. જેમ દેશમાં તિરૂપતિ, વૈષ્ણોદેવીના દર્શન કરવા લોકો જાય છે. તેવી જ શ્રદ્ધાથી લોકો ગુજરાતના અંબાજી મંદિરમાં દર્શન કરવા આવે છે.
અંબાજી મંદિર પંચાયત કક્ષાના ગામમાં આવેલું છે અને રાજસ્થાન બોર્ડર પાસે આવેલું છે. 25 લાખ કરતાં વધુ ભક્તો ભાદરવી પૂનમમાં દર્શન માટે જાય છે. બાકી અન્ય તહેવારોમાં પણ લાખો ભક્તો અંબાજીના દર્શન કરે છે. ભાજપ સરકાર રાજ્યના તમામ પ્રસિદ્ધ મંદિરની વ્યવસ્થા વધારી છે. ત્યારે હવે અંબાજી મંદિરની પણ વ્યવસ્થા વધે તે માટે આ બિલ લાવવામાં આવ્યું છે.
નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી હતા. ત્યારે ભાજપ સરકારે નિર્ણય કર્યો હતો કે, રાજ્યના પવિત્ર યાત્રાધામમાં દેશ-વિદેશથી લોકો આવે અને ત્યાં આગળ રહેવાની વ્યવસ્થા થાય તે પ્રકારનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જ્યારે અંબાજીના રસ્તાને નજીકના સમયમાં ચારમાર્ગીય કરવાની જાહેરાત પણ નીતિન પટેલે વિધાનસભા ગૃહમાં કરી હતી. જેનું 90 ટકા કામ અત્યાર સુધીમાં પૂર્ણ કરવામાં આવ્યું છે. જ્યારે આગામી સમયમાં કામનું લોકાર્પણ કરવામાં આવશે. જો કે, હાલની પરિસ્થિતીને ધ્યાનમાં લઈને સાદાઈથી લોકાર્પણ કરવામાં આવશે.