ગાંધીનગર: ગુજરાતના કોઈ દર્દી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થાય અથવા તો સારવાર લેવાની પરિસ્થિતિ ઉભી થાય ત્યારે પહેલા અનેક રિપોર્ટની ફાઈલો પોતાની પાસે રાખવાની ફરજ પડે છે, જ્યારે ઉતરાવળમાં અમુક રિપોર્ટ પણ ભુલાઈ જાય છે, ત્યારે હવે દર્દીઓ સાથે આવું નહિ થાય કારણ કે, કેન્દ્ર સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ખાસ ABHA કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે. જેમાં દર્દીની તમામ ડિટેલ એક જ ક્લિકમાં ડોકટર અને હોસ્પિટલ તંત્રને પ્રાપ્ત થઈ જશે.
શા માટે જરૂરી છે ABHA કાર્ડ :જ્યારે કોઈપણ દર્દી હોસ્પિટલથી મુલાકાત લે ત્યારે દર્દી સાથે મેડિકલ રિપોર્ટ રાખવાની મુશ્કેલી થતી હોય છે, ત્યારે તબીબી ઇતિહાસનો ટ્રેક રેકોર્ડ રાખવો પણ પડકાર જનક બની શકે છે. ABHA ડિજિટલ હેલ્થ આઈડી કાર્ડથી તમામ તબીબી માહિતીને એક જ જગ્યાએ સંગ્રહિત કરીને આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે જેથી ડોક્ટર જે તે દર્દીના આઈડી નંબર પરથી જ દર્દીની તમામ માહિતી લઈ શકશે. હવે સરકાર દ્વારા તમામ 108ની એમ્બ્યુલન્સમાં બાર કોડ લગાવવામાં આવ્યા છે, તેમાંથી નાગરિકો પોતાની રીતે આધારકાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, અથવા પાનકાર્ડથી ABHA કાર્ડ ડિજિટલ ઇસ્યુ કરાવી શકે છે.
ABHA કાર્ડના ફાયદાઓ :ગુજરાતના તમામ નાગરિકોને ટૂંક સમયમાં આ આર ડીજીટલ આરોગ્ય કાર્ડ ફરજિયાત કરવામાં આવશે અને રાજ્ય સરકાર દ્વારા આ રીતની તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે, ત્યારે ABHA કાર્ડના ફાયદા વિશે વાત કરવામાં આવે તો, દર્દીના તમામ તબીબી રેકોર્ડ જેવા કે રિપોર્ટ્સ, નિદાનની પૂર્વ કામગીરી, દવાના પ્રિસ્ક્રિપ્શનની વિગતો એક જ જગ્યાએ પ્રાપ્ત થશે અને દર્દીને દેશની કોઈ પણ સરકારી હોસ્પિટલમાં સારવાર મેળવવાની પરિસ્થિતિ ઉભી થાય તો ફક્ત એજ જ નંબરથી દર્દીને સરળતાથી સારવાર અને જે તે ડોક્ટર દર્દીની બીમારીનો ઇતિહાસ સરળતાથી પ્રાપ્ત થઇને જલ્દી સારવાર પ્રાપ્ત થઈ શકશે. જ્યારે હેલ્થ ઈનસ્યુરન્સ કંપનીઓને પણ દર્દીની વિગતો પ્રાપ્ત થઈ શકશે. આ કાર્ડ ખાનગી હોસ્પિટલમાં લીધેલ સારવાર બાબતની વિગતો દર્શાવશે.