લોકડાઉનમાં થયેલા નુકસાનના પગલે રાજ્ય સરકારે કમિટીની રચના કરી, એક મહિનામાં રિપોર્ટ રજૂ કરશે
મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતા હેઠળ મળેલી કેબિનેટ બેઠકમાં આવનારા લોકડાઉન 4.0 અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત રાજ્યમાં કેવી રીતે છૂટછાટ આપવી તે વિશે પ્રધાનોએ મંતવ્યો રજૂ કર્યાં હતાં. ઉપરાંત લૉક ડાઉનથી થયેલા નુકશાન બાબતે રાજ્ય સરકારે ખાસ કમિટીની રચના કરીને નુકસાની અંગેનો રિપોર્ટ કરવાની સૂચના આપી છે.
ગાંધીનગર : કોરોના વાયરસના કારણે દેશ અને રાજ્યમાં લૉકડાઉન હોવાથી આજે સતત સાતમી વખત વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્ય સરકારની કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતા હેઠળ મળેલ કેબિનેટ બેઠક મુદ્દે અંગત સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા જે આર્થિક બજેટ બહાર પડવામાં આવ્યું છે. તેની 4 વાગે કેન્દ્રીય નાણાં પ્રધાન દ્વારા વિગતે જાણકારી અપાયાં બાદ ગુજરાતમાં કઇ રીતે અમલીકરણ કરવુ અને અલગ-અલગ વર્ગના લોકો સાથે છેવાડાના માનવીને કઇ રીતે લાભ પહોંચાડી શકાય તે માટેની રણનીતિ રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, લોકડાઉનને તમામ વેપાર રોજગાર, ઉદ્યોગો બંધ હતાં જેને કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. જેનો અંદાજ મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા ઇકોનોમી રીવાઇબેબલ કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં કેન્દ્રના પૂર્વ નાણાંસચીવ હસમુખ અઢીયાની કમિટીના ચેરમેનપદે નિયુક્તિ કરવામાં આવી છે. આ કમિટી રાજ્યમાં કોરોના વાઇરસના કારણે થયેલા આર્થિક નુકસાનનો રિપોર્ટ રજૂ કરશે. ઉપરાંત રાજ્યમાં સેક્ટર અને સબસેક્ટર પ્રમાણે ડિટેલમાં રીપોર્ટ તૈયાર કરીને રાજ્ય સરકારને સોંપશે. રાજ્ય સરકાર દ્વારા ફક્ત એક મહિનાની અંદર રીપોર્ટ તૈયાર કરવાની ટાઇમલિમીટ આપવામાં આવી છે. આ કમિટીમાં આઇઆઇએમના એક્સ પ્રોફેસર રવીન્દ્ર ઘોળકિયા, ટેક્સ કન્સલટન્ટ મૂકેશ પટેલ, ફાઇનાન્સીયલ એક્સપર્ટ કિરીટ સેલટ, અને મેમ્બર સેક્રેટરી તરીકે જીઆઇડીસીના એમડી એસ. થેનારસનની નિમણૂક કરવામાં આવી છે.
ઉપરાંત શ્રમિકો મુદ્દે અશ્વિનીકુમારે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોને પોતાના વતનમાં જવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે હવે તમામ જિલ્લા કલેક્ટરો એક ડેટા તૈયાર કરીને હજુ જે શ્રમિકોને જવું હોય તો તેની પણ વ્યવસ્થા કરી આપવાની સીએમ રૂપાણીએ તમામ કલેક્ટરોને સૂચના આપી છે. જ્યારે ગઇ કાલ સુધી સમગ્ર દેશમાં શ્રમિક સ્પેશ્યલ કુલ 640 ટ્રેનો દોડાવવામાં આવી હતી. જેમાં ફક્ત ગુજરાતમાં 262 ટ્રેનો દોડાવામાં આવી હતી એટલે કે દેશની કુલ ટ્રેન 41 ટકા ટ્રેન ગુજરાતમાંથી શ્રમિકો માટે શરૂ કરવામાં આવી હતી. જ્યારે મહારાષ્ટ્ર સરકાર 99, પંજાબ 81 ટ્રેન ચલાવી છે.. જ્યારે અત્યાર સુધીમાં ગુજરાતમાંથી 3.15 લાખ શ્રમિકો પોતાના વતનમાં ગયાં છે. જ્યારે આજે બીજી 37 જેટલી ટ્રેનો ગુજરાતથી એમ.પી, યુપી ઓડિશા, ઉત્તરાખંડ, ઝારખંડ તરફ જશે જેથી આજે આશરે બીજા 50 હજાર જેટલા શ્રમિકો પોતાના વતનની વાટ પકડશે.