- બિનસરકારી અનુદાનિત કોલેજોમાં 927 અધ્યાપક સહાયકોની ભરતી થશે
- બિનસરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 5,700 શિક્ષણ સહાયકોની ભરતી કરાશે
- અધ્યાપક સહાયકોની ભરતી માટે 20 જાન્યુઆરી, 2021 સુધીમાં ઓનલાઇન અરજી કરી શકાશે
ગાંધીનગર : મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બુધવારે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષણક્ષેત્રે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્ય સરકાર આગામી સમયમાં કુલ 6,616 શિક્ષકોની ભરતી કરશે.
નવી 6,616 ભરતી કરવામાં આવશે
આ બાબતે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, રાજ્યના ઉચ્ચશિક્ષણ તેમજ ઉચ્ચત્તર-માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે રોજગાર અવસર દ્વારા કારકીર્દી ઘડતર માટે સમગ્રતયા 6,616 નવા શિક્ષકોની ભરતી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
કઈ કેટેગરીમાં કેટલા શિક્ષકોની થશે ભરતી?
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ નિર્ણયની વિસ્તૃત વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજ્યની બિન સરકારી અનુદાનિત કોલેજોમાં કેન્દ્રીયકૃત રીતે 927 અધ્યાપક સહાયકોની ભરતી કરવામાં આવશે. રાજ્યની કોલેજોમાં વિવિધ 44 જેટલા વિષયો માટે 927 અધ્યાપક સહાયકો સેવાઓ આ ભરતી પૂર્ણ થતાં મળતી થશે.
કેવી રીતે અને ક્યા સુધીમાં અરજી કરવાની રહેશે?
ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે, અધ્યાપક સહાયકોની આ ભરતી માટે 20 જાન્યુઆરી, 2021 સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. તેમજ ભરતીની વધુ વિગતો www.rascheguj.in વેબસાઇટ પરથી મેળવી શકાશે. આ સાથે રાજ્યની બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કુલ 5,700 શિક્ષણ સહાયકોની ભરતી રાજ્ય સરકાર કરશે. તે અનુસાર નવી બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 3,382 અને નવી બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં 2307 શિક્ષણ સહાયકોની નિમણૂક કરવામાં આવશે.
ક્યા વિષયોના શિક્ષકોની થશે ભરતી?
રાજ્યની બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં જે 3,382 શિક્ષણ સહાયકોની ભરતી થવાની છે. તેની વિગતો આપતા ચુડાસમાએ જણાવ્યું હતું કે, અંગ્રેજી વિષય માટે 624, અકાઉન્ટ એન્ડ કોમર્સ વિષય માટે 446, સોશિયોલોજી વિષય માટે 334, ઇકોનોમિકસ વિષય માટે 276, ગુજરાતી વિષય માટે 254 તેમજ અન્ય વિષયોના શિક્ષણ સહાયકોની ભરતી થશે. તે જ પ્રમાણે બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ગણિત-વિજ્ઞાન વિષય માટે 1037, અંગ્રેજી વિષય માટે 442, સામાજિક વિજ્ઞાન વિષય માટે 289, ગુજરાતી વિષય માટે 234 તેમજ અન્ય વિષયો માટેની મળી કુલ 2,307 શિક્ષણ સહાયકોની ભરતી કરાશે.