ગાંધીનગર: આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડોક્ટર જયંતિ રવિએ કહ્યું કે, રાજ્યમાં અત્યાર સુધી અમદાવાદમાં 13, સુરત 6, રાજકોટ 1, વડોદરા 6, ગાંધીનગર 6 અને કચ્છમાં એક કેસ નોંધાયો છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધી એક વ્યક્તિનું મોત થયું છે.
જયંતિ રવિએ કહ્યું કે, મહાનગરોમાં 25 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોના વાયરસને ફેલાવતો અટકાવવા માટે સોશિયલ ડિસ્ટન્સ ખૂબ જ જરૂરી છે. રાજ્યમાં 11,108 વ્યક્તિઓને 14 દિવસના ક્વોરેન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે. જેમાં 224 વ્યક્તિઓ સરકારી ફેસીલીટી અને 10,850 વ્યક્તિઓ હોમ કવોન્ટાઇનમાં છે. તદ ઉપરાંત 34 વ્યક્તિઓ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે 21 મુસાફરોએ કવોરેન્ટાઇનમાં રહેવાની ના પાડતા તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
કોરોના વાઇરસ લઈને સરકાર દ્વારા હવે રોજ એક બેઠક કરવામાં આવશે. સાંજે તમામ જિલ્લાના કલેક્ટરો પાસેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા માહિતી માગવામાં આવશે. કોરોનાને લઇને સરકાર દ્વારા તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. તેમ છતાં દિવસે દિવસે કોરોના વાયરસના કેસ વધી રહ્યાં છે. લોકોની જાગૃતિના અભાવને કારણે આ કેસ વધી રહ્યાં હોય તેવું સામે આવ્યું છે. સમગ્ર રાજ્યને લોકડાઉન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરના સેક્ટર 29માં યુવકના ફોઈ ફુવા પણ કોરોના વાયરસના પોઝિટિવ દર્દી છે. ગાંધીનગરમાં જે 6 કેસ સામે આવ્યા છે, તે એક યુવકની ભૂલના કારણે આવ્યા હોય તેવું સામે આવી રહ્યું છે, પોતે દુબઈથી આવ્યો હોવા છતાં જાહેરમાં ફરતો રહ્યો હોવાના કારણે તેના પરિવારજનોના ચાર કેસ જ્યારે હવે જે બે કેસ સામે આવ્યા છે. તેમાં તેના ફોઈ-ફુવાનો પણ સમાવેશ થાય છે.