ગ્રામ્ય વિસ્તારના કુટુંબોને ‘પોતાના સ્વપ્નનું ઘર’ મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ સુવિધા માટે રૂ.1458 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ યોજના હેઠળ 2,02,871 આવાસો મંજૂર કરાયા છે. સાથે જ 1,85,000 આવાસો પૂર્ણ કરીને 2157.24 કરોડની સહાય ચૂકવી દેવામાં આવી છે. જ્યારે ઘરવિહોણા લાભાર્થીઓને આવરી લેવા માટે અને 21 હજાર આવાસોના નિર્માણ માટે રૂ. 250 કરોડની જોગવાઇ કરી છે. આ વર્ષે 1,28,000 જેટલા નવા આવાસોનું નિર્માણ કરવામાં આવશે. મુખ્યમંત્રી આવાસ પ્રોત્સાહક યોજના હેઠળ 4500 લાભાર્થીઓને લાભાર્થી દીઠ રૂ. 20 હજાર લેખે 900 લાખ સહાય ચૂકવાઇ છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1.28 લાખ આવાસોનું થશે નિર્માણ - Pradhanmantri awash yojana
ગાંધીનગર: રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં વસતા લોકોની ગરીબી ઘટાડીને તેમના જીવનની ગુણવત્તા સુધારવા માટે તથા માળખાકીય સવલતોના નિર્માણ માટે રાજ્ય સરકારે દ્રઢ નિર્ણય કર્યો છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં લોકોને પોતાનું ઘરનું ઘર મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના માટે રૂપિયા 1458 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ગુજરાત વિધાનસભા ખાતે ગ્રામ વિકાસ વિભાગના અંદાજપત્રની રૂ. 3362.49 કરોડની અંદાજપત્રીય માંગણીઓ રજૂ કરતાં કેબિનેટપ્રધાન આર. સી. ફળદુએ જણાવ્યું હતું કે, ગુજરાતના ગામડાં ધબકતાં થઇ ગયા છે. ગ્રામ્ય ગરીબ નાગરિકોને મુખ્ય પ્રવાહમાં જોડવા માટે જ્યાં માનવી ત્યાં આજીવિકા આપવા માટે મહાત્મા ગાંધી નરેગા યોજનાનો વ્યાપ પણ વધાર્યો છે. સાથે કુટુંબદીઠ 100 દિવસ રોજગારી આપીને ગ્રામ્યસ્તરે અસ્કયામતોનું નિર્માણ કર્યું છે. જેના હેઠળ 8.10 લાખ અસ્કયામતોનું નિર્માણ કરાયું છે.
આ યોજના માટે ચાલુ વર્ષે 400 લાખ લોકોને રોજગારી પૂરી પાડવા માટે 442.50 કરોડનું બજેટ મંજૂર કરાયું છે. જે માટે 2.38 લાખ કામો હાથ ધરાશે. બિનકુશળ શ્રમિકો માટે વેતન દર રૂ. 199 નક્કી કરાયો છે. રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા માટે સ્વચ્છ ભારત મિશન હેઠળ શ્રેષ્ઠ કામગીરી પૂર્ણ થઇ છે. અત્યાર સુધી 1,65,555 શૌચાલયોનું નિર્માણ કરાયું છે. જેમાં 1239 ગ્રામીણ પંચાયતોમાં સામૂહિક શૌચાલયો મંજૂર કરાયા છે. તે પૈકી 1333.27 લાખના ખર્ચે 1238 કામો પૂર્ણ કરાયા છે.