ડાંગ : ગુજરાત રાજ્યમાં અનેક જોવાલાયક સ્થળો આવેલા છે. પણ કુદરતી સોંદર્યથી ભરપૂર અને કુદરતી વાતાવરણનો લ્હાવો માણવો હોય, તો સાપુતારા સૌથી બેસ્ટ જગ્યા છે. ચોમાસા અને શિયાળાની ઋતુમાં અહીં ઠડીનો ભરપૂર અહેસાસ થાય છે. આ ઉપરાંત સવાર સાંજ ધૂમ્મસ મય વાતાવરણ હોવાથી કુદરતી સોંદર્ય સોળે કળાએ ખીલી ઉઠેલ જોવા મળે છે. જ્યારે ઉનાળાની ઋતુમાં 30 કે 35 ડીગ્રીથી ઓછું તાપમાન હોવાનાં કારણે ગરમીનો પણ અહેસાસ થતો નથી.
કુદરતી સોંદર્યથી ભરપૂર ગુજરાતનું એક માત્ર હિલ સ્ટેશન સાપુતારા - Dang
ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડાંગ જિલ્લાનું સુંદર અને રમણીય વાતાવરણ ધરાવતું ગિરિમથક સાપુતારા. સહ્યાદ્રી પર્વતમાળા વચ્ચે વસેલું સાપુતારા 1000 મીટરની ઊંચાઈ પર આવેલુ છે. સાપુતારાને ગુજરાત કી આંખો કા સાપુતારા તરીકેની ઓળખ તરીકે ગણવામાં આવે છે.
સાપુતારા સહ્યાદ્રી પહાડોની વચ્ચે આવેલુ હોવાથી અહીં ડુંગરો પણ આવેલા છે, જેમાં એડવેન્ચર એક્ટિવિટીઓ કરાવવામાં આવે છે. રોપ-વે, પેરાગ્લાઇડીગ, એડવેન્ચર પાર્ક, એડવેન્ચર સ્પોર્ટ્સ વગેરે. સાપુતારા ખૂબ જ સુંદર બગીચાઓ, તળાવ અને તળાવમાં ચાલતી બોટીંગ માટે પણ ખૂબ જ પ્રખ્યાત છે. સાપુતારામાં સ્થાનિક આદિવાસી દ્વારા બનાવવામાં આવતી નાગલીની બનાવટો જેમ કે નાગલીનાં પાપડ, બિસ્કિટ વગેરે જ્યારે વાંસમાંથી અથાણું ઉપરાંત વાંસની અન્ય બનાવટો પણ અહીં ઉપલબ્ધ હોવાથી અહીંનું બજાર પણ આકર્ષણનું કેન્દ્ર છે.
સાપુતારા હિલ સ્ટેશન માનવ સર્જિત છે. સાપુતારાનાં નામ પાછળની લોક વાયકા પ્રમાણે અહીં બે વૃધ્ધ કપલ આવ્યાં હતાં. જેમાં વૃધ્ધાના માથે ટોપલી હતી અને જ્યારેએ વૃધ્ધની ટોપલી ઉતારી ત્યારે ટોપલીમાંથી સાપ નીકળ્યો, ત્યારથી આ સાપુતારાનું નામ સાપુતારા પડી ગયું. પહેલાંના જમાનામાં સાપુતારા સાપોની જગ્યા તરીકે ઓળખાતું તેના પ્રતીક રૂપે સાપુતારા સર્પ ગંગા તળાવ કિનારે સાપની મૂર્તિ જોવા મળે છે. સાપુતારાની મધ્યમાં સર્પગંગા તળાવ આવેલ છે. જેમાં નૌકા વિહાર કરી શકાય છે. સાપુતારામાં હોટલો, ઉપરાંત શેક્ષણિક સંસ્થાઓ પણ આવેલી છે.
સાપુતારામાં જોવાલાયક સ્થળો
- સન રાઈસ પોઈન્ટ
- ટેબલ પોઈન્ટ ( સન સેટ પોઈન્ટ )
- નાગેશ્વર મહાદેવ મંદિર
- સ્ટેપ ગાર્ડન
- આર્ટિસ્ટ વિલેજ
- આદિવાસી મ્યુઝિયમ
- લેક ગાર્ડન
- જૈન મંદિર
- મધમાખી ઉછેર કેદ્ર
સાપુતારાને નોટિફાઈ એરિયા તરીકે ગણવામાં આવે છે. સાપુતારા પોતાના કુદરતી સૌંદર્યના પ્રતાપે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં, ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતાં હોય છે. હાલમાં સાપુતારાનાં વિકાસ અર્થે જુદાં જુદાં બાંધકામો હાથ ધરવામાં આવ્યાં છે.