ડાંગઃ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગમાં અકસ્માતનો વણઝાર યથાવત રહેવાની સાથે ટામેટાનો જથ્થો ભરેલી આઈસર ટેમ્પો પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
સાપુતારા ઘાટમાર્ગમાં ટમેટાનો જથ્થો ભરેલી ટ્રક પલ્ટી જતા ગંભીર અકસ્માત, ઘટના સ્થળ પરથી મળતી માહિતી મુજબ, રવિવારે મહારાષ્ટ્ર રાજ્યનાં સંગમનેર તરફથી ટામેટાનો જથ્થો ભરી અમદાવાદ તરફ જઈ રહેલા આઈસર ટેમ્પો સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગનાં ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેનાં વળાંકમાં ચાલક દ્વારા અચાનક સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ આઈસર ટેમ્પો પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતનાં પગલે ટેમ્પામાં ભરેલા ટામેટાનો જથ્થો ચગદાઈને વેરવિખેર થઈ જતા માલિકને જંગી નુકસાન થયુ હતું. જેમાં ચાલકને નાની મોટી ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવારનાં અર્થે નજીકની શામગહાન C.H.C ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.
હાલમાં લોકડાઉનની સ્થિતિમાં સાપુતારા-માલેગામ ઘાટમાર્ગમાં ટ્રાફિક ઓછું હોવાથી તેમજ વાહનચાલકો પુરપાટવેગે ઘાટમાર્ગ ઉતરતા હોતા જેના કારણે અહી થોડા જ દિવસોમાં અકસ્માતનાં વણઝારનો સીલસીલો યથાવત રહેવાની સાથે ચોથો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવ સંદર્ભે સાપુતારા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.