ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લામાં માવઠું જોરમાં, વઘઇમાં 1 ઇંચ વરસાદ

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ગતરોજ સાંજથી ચાલુ થયેલ માવઠું આજે પણ યથાવત રહેતા સમગ્ર પંથકોનું વાતાવરણ ચોમાસામય બની જવા પામ્યું છે. તો આ વરસાદને પગલે ખેડૂતોની ચિંતાનો પાર રહ્યો નથી.

ડાંગ જિલ્લામાં માવઠું જોરમાં, વઘઇમાં 1 ઇંચ વરસાદ
ડાંગ જિલ્લામાં માવઠું જોરમાં, વઘઇમાં 1 ઇંચ વરસાદ

By

Published : Jan 8, 2021, 7:58 PM IST

  • કમોસમી વરસાદે વઘઇમાં સર્જ્યું ચોમાસુ વાતાવરણ
  • માવઠાનાં લીધે ખેડૂતોના પાકને ભારે નુકસાન
  • વઘઇમાં 1 ઇંચ વરસાદ, પૂર્વ પટ્ટી વિસ્તારોમાં રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યું

ડાંગઃ રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં છેલ્લા એક સપ્તાહથી ઋતુચક્રનો મોસમ મિજાજ બગાડતા અહી વાતાવરણમાં ત્રિવેણી સંગમ રચાયો છે. છેલ્લા એક સપ્તાહથી ડાંગ જિલ્લામાં સમયાંતરે તડકો,ઠંડી,અને કમોસમી વરસાદનો અનુભવ થઈ રહ્યો છે. ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ગુરુવારે સાંજનાં સુમારે ગાજવીજ સાથે ધોધમાર સ્વરૂપે વરસાદ તૂટી પડતા સર્વત્ર પંથકમાં પાણીની રેલમછેલ ફરી વળી હતી.

વરસાદને પગલે ખેડૂતોની ચિંતાનો પાર રહ્યો નથી

વરસાદ વરસતાં ઝરણાંઓ ફૂટી નીકળ્યાં

ઉપરવાસમાં ભારે વરસાદ પડતાં સરહદીય ગામડાંઓને જોડતા કોતરડાઓ શિયાળાની ઋતુમાં પ્રથમ વખત ડહોળા નીરની સાથે છલોછલ ભરાઈને બન્ને કાંઠે થઈ વહેતા થયાંનાં દ્રશ્યો સામે આવ્યાં હતાં. ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં શુક્રવારે પણ સમયાંતરે કમોસમી વરસાદ યથાવત રહેતાં સમગ્ર પંથકોમાં પાણીની રેલમછેલ ફરી વળવાની સાથે સમગ્ર ગામડાઓનું વાતાવરણ ચોમાસામય બની જવા પામ્યું હતું.

શિયાળુ પાકને ભારે નુકસાન

સતત બીજા દિવસે પણ ડાંગી ખેડૂતોનાં શિયાળુ પાકોને જંગી નુકસાન થયું હતું. તેમ જ ખેતરોમાં સંગ્રહ કરાયેલ પાકો પણ વરસાદનાં પગલે ભીંજાયાં હતાં. રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે શુક્રવારે વરસાદી માહોલની મઝા માણવા પ્રવાસીઓનો જનસેલાબ ઉમટી પડ્યો હતો. ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં આવેલ ગિરિકન્દ્રાઓ ઉપર ગાઢ ધૂમમ્સીયા વાતાવરણની મનમોહક ચાદર ઓઢાઈ રહેતાં ફરવા આવેલ પ્રવાસીઓનો ઉન્માદ બેવડાયો હતો.

ડાંગના પ્રવેશદ્વાર વઘઇમાં 1 ઇંચ વરસાદ

ગતરોન મોડી સાંજથી ચાલુ થયેલ કમોસમી માવઠાના કારણે જિલ્લામાં ચોમાસું જામ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આજરોજ સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યાં સુધી વઘઇમાં 24 મી.મી., આહવામાં 13મી.મી, સુબીરમાં 4 મી.મી જ્યારે ગિરિમથક સાપુતારા માં 6મી.મી.વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદ વરસતાં પૂર્વ પટ્ટી વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ જવા પામ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details