ડાંગઃ ડાંગ જિલ્લામાં આગામી પેટા ચૂંટણીને લઈને જિલ્લા સેવા સદન ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં કલેક્ટરે કોરોના વાઇરસનું સંક્રમણ વધુ ન ફેલાય તેની તકેદારી સાથે આગામી પેટા ચૂંટણી માટે પ્રચાર પ્રસાર કરવા વિસ્તૃત માર્ગદર્શન પૂરુ પડ્યું હતું.
ડાંગ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી ચૂંટણી સભાઓ, રોડ શો, ડોર ટુ ડોર પ્રચાર કાર્ય વગેરે બાબતે કાળજી રાખવા અંગે વિસ્તૃત માર્ગદર્શન કલેક્ટર ડામોરે આપ્યું હતું. તો સાથે જિલ્લા ચૂંટણી અધિકારીએ ડાંગ જિલ્લામાં ત્રણ તાલુકાઓમાં નિયત કરાયેલા પાંચ સ્થળોએ ચૂંટણી સંબંધિત જાહેરસભાઓ યોજવા અંગે પણ સૌને માહિતગાર કાર્ય હતા.
કલેક્ટર ડામોરે 173-ડાંગ (અ.જ.જા.) વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે યોજાયેલી આ અગત્યની બેઠકમાં સુક્ષ્માતીસુક્ષ્મ બાબતોની જાણકારી આપી હતી. પ્રચાર-પ્રસારમા ચૂંટણી ખર્ચની મર્યાદાઓ, જરૂરી સેવાઓના નિયત કરાયેલા ભાવો અંગે પણ માહિતગાર કર્યા હતા.
બેઠકમા જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજા, નાયબ વન સંરક્ષક અગ્નીશ્વર વ્યાસ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, પ્રાંત અધિકારી કાજલ ગામીત, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.બી.ચૌધરી સહિતના વિવિધ સમિતિઓના નોડલ ઓફિસરો, જુદા જુદા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.