ડાંગ: કોરોનાનાં કહેરને નાથવા માટે દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં 21 દિવસ માટે લોકડાઉન જાહેર કર્યુ છે. આ લોકડાઉન અંતર્ગત માત્ર આવશ્યક સેવાઓ અને બીમારી જેવા સમયે જ ઘરની બહાર નીકળી શકે છે. તેવામાં અમુક લોકો કાયદાને નેવે મૂકી બિનજરૂરી રીતે બહાર નીકળી નીતિ નિયમોનું ઉલ્લંઘન કરી રહયા છે.
ડાંગમાં લોકડાઉનનું ઉલ્લંઘન કરનાર લોકો પર પોલીસની તવાઈ - corona virus
ડાંગ જિલ્લામાં કોરોના વાઇરસની ઇફેક્ટ વચ્ચે લોકડાઉનનો ભંગ કરી ટોળામાં નદીએ માછલા મારતા ઈસમો સામે સાપુતારા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે આહવા પોલીસે બિનજરૂરી રીતે રખડતા પાંચ ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ડાંગ જિલ્લામાં પણ લોકડાઉનને પાલન કરાવવા માટે વહીવટી તંત્ર તેમજ પોલીસની ટીમો સજાગ બની છે,ત્યારે ગતરોજ લોકડાઉનની સ્થિતિમાં સાપુતારા પી.એસ.આઈ.એમ.એલ.ડામોર સહિત તેમની પોલીસ ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી.તે દરમિયાન તેમને તળાવનાં કિનારે ટોળામાં સ્થાનીક ઈસમો માછલા મારતા નજરે પડ્યા હતા.અહીથી સાપુતારા પોલીસની ટીમે લોકડાઉનનાં ભંગ અંતર્ગત સ્થાનિક 8 ઇસમોને ઝડપી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે વહીવટી મથક આહવા ખાતે પણ 5 ઇસમો જે બિનજરૂરી રીતે ટોળામાં ફરી પોલીસનાં પૂછપરછનો યોગ્ય જવાબ આપતા ન હતા. તેમની સામે પણ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.