ડાંગઃ જિલ્લાનાં સુબિર તાલુકામાં સમાવિષ્ટ બરડીપાડા ગ્રામ પંચાયતમાં આવેલા ધુલદા ગામનો કોઝવે પાણીમાં ગરકાવ રહેતાં સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. આ માર્ગ બરડીપાડા ગામથી મુખ્ય મથક આહવા તરફ જવા માટે જિલ્લા પંચાયત હસ્તકનો મુખ્ય માર્ગ છે. જ્યાં આ કોઝવે ઉપર મસમોટા ખાડા પડી જવાથી અનેકવાર અકસ્માતનાં બનાવો બન્યાં છે.
ડાંગના ધૂલદા ગામના કોઝવેની હાલત બિસ્માર, સ્થાનિકો પરેશાન - dang's road updates
ડાંગનાં બરડીપાડા ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ધુલદા ગામનાં કોઝવે ઉપરથી પાણી પસાર થાય છે. તેમજ આ કોઝવેમાં મસમોટા ખાડા હોવાનાં કારણે વારંવાર અકસ્માતોનાં બનાવથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે.
થોડા દિવસો અગાઉ ભારે વરસાદનાં કારણે આ કોઝવેનું ધોવાણ થયું છે. કોઝવે પર મોટા ખાડા હોવાનાં કારણે અનેકવાર બાઇક ચાલકોની ગાડી લપસી ગઈ છે. ગતવર્ષે એક બાઇક તથા કાર અહીં તણાઈ ગઈ હતી. જે બાદ પણ તંત્ર ઘોર નિંદ્રામાં છે. આ કોઝવે પર ઘણી વાર અકસ્માત થતા હોવા છતાં આ રસ્તાનું રિપેરકામ થયું નથી.
આ બાબતે સ્થાનિક આગેવાન ગીરીશભાઈ ગીરજલી જણાવે છે કે, ચોમાસામાં ધુલદા ગામનો કોઝવે પાણીમાં ગરકાવ હોય છે. જેથી બાળકોને શાળાએ જવું હોય અથવા ઇમરજન્સી સેવાઓ હોય તે પણ ઠપ થઈ જતી હોય છે. અહીં નેટવર્ક સમસ્યા હોવાનાં કારણે લોકો ઇમરજન્સી સેવાઓનો પણ લાભ લઇ શકતાં નથી. તેઓ વધુમાં જણાવે છે કે, અહીં દરરોજ અકસ્માતનાં બનાવો બને છે, પણ જ્યાં સુધી કોઈનું અકસ્માતમાં મૃત્યુ નહીં થાય ત્યાં સુધી તંત્રની આંખ ખુલશે નહિ. સ્થાનિક લોકોની મુશ્કેલીઓને ધ્યાને લેતાં સ્થાનિક નેતાઓ સહિત માર્ગ અને મકાન વિભાગ ધ્યાન આપે તે જરૂરી બની ગયું છે.