આઈબી દ્વારા ગુજરાતમાં હુમલાની શક્યતાને લઈને રાજ્યભરની પોલીસને એલર્ટ કરવામાં આવી છે. આતંકીઓની ગતિવિધિને લઈને રાજ્યમાં તમામ ચેકપોસ્ટ પર પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યુ છે. ત્યારે, ડાંગ જિલ્લામાં પણ સાપુતારા, વઘઇ, ચેકપોસ્ટ પર ડાંગ પોલીસ શંકાસ્પદ વાહનો ચેકિંગ કરી રહી છે.
સાપુતારા ખાતે ચેકપોસ્ટ પર ડાંગ પોલીસે શંકાસ્પદ વાહનોની તપાસ હાથ ધરી
ડાંગ: આતંકવાદી હુમલાની શક્યતાને લઇને ગુજરાત સહિત તમામ રાજ્યોમાં પોલીસતંત્ર એલર્ટ થઇ ગયું છે. ત્યારે, ડાંગ જિલ્લામાં પણ મહારાષ્ટ્ર પાસે આવેલ સાપુતારા બોર્ડર ચેક પોસ્ટ ખાતે ડાંગ પોલીસ સતર્ક બની છે. પ્રવેશના માર્ગો પરથી અવર જવર કરતાં વાહન ચાલકો તેમજ લોકો ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
ગુજરાતમાં આતંકી હુમલાના એલર્ટને લઈને મહારાષ્ટ્ર બોર્ડરને પાસે આવેલા ગીરીમથક સાપુતારા ખાતે પણ સાપુતારા પોલીસે મહારાષ્ટ્ર તરફથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધર્યું છે. જ્યારે બોર્ડર પર સ્થાનિક પોલીસે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે જાહેર સ્થળો પર પોલીસ વોચ રાખી રહી છે. ડાંગ જિલ્લામાં પણ ડાંગ પોલીસ સતર્ક બની પ્રવેશના તમામ માર્ગો પર નાકાબંધી કરીને વાહનોનું ચેકિંગ કરી રહી છે.
ગુજરાતમાં કોઈ પણ પ્રકારની ઘટના ન બને તે માટે પોલીસનો જાહેર સ્થળો પર સુરક્ષા બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે. ગૃહ વિભાગ દ્વારા તકેદારીના પગલાં ભરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. ત્યારે, ડાંગ જિલ્લામાં પણ રસ્તાઓ પર બેરીકેડ લગાવીને શંકાસ્પદ વાહનો અને વ્યક્તિઓની તપાસ હાથ ધરવામાં આવી છે. બોર્ડરથી ગુજરાત રાજ્યમાં પ્રવેશતા તમામ વાહનોને ચેકિંગ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.