સાપુતારાઃ કુદરતી હવાનો આનંદ માણવાના સ્થળ તરીકે પ્રખ્યાત સાપુતારામાં વરસાદી માહોલને કારણે કુદરતી સૌંદર્યના સુંદર દ્રશ્યો સર્જ્યા છે. આશરે 1 હજાર મીટર ઉંચાઈ ઉપર આવેલ સાપુતારા જાણે વાદળોને અડીને આવેલા હોય તેવો ભાષ થાય છે. અહીં વરસાદી વાતાવરણમાં ગાઢ ધૂમમ્સ છવાઈ જાય છે. સાથે જ સાપુતારા ઉંચાઈ ઉપર આવેલો હોવાથી ભારે પવન ફૂંકાતો હોય છે. જેના કારણે અહીં સખત ઠંડીનો અહેસાસ પણ થાય છે.
નયનરમ્ય નજારોઃ ગિરિમથક સાપુતારાનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું - સોંદર્યના સુંદર દ્રશ્યો
ગુજરાત રાજ્યના ગિરિમથક સાપુતારામાં વરસાદે વિરામ લેતાં કુદરતી સૌંદર્યના સુંદર દ્રશ્યો સર્જાયા છે. કુદરતી હવાનો આનંદ માણવાના સ્થળ તરીકે પ્રખ્યાત સાપુતારામાં સૌંદર્ય માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓની ભીડ ઉમટી પડતી હોય છે. હાલ કોરોના મહામારીના કારણે અહીં તમામ જોવા લાયક સ્થળો બંધ કરી દેવામાં આવ્યા છે.
સાપુતારાની જીવાદોરી સમાન સર્પગંગા તળાવ પણ પાણીથી છલોછલ ભરાઈ ગયું છે. ચોમાસાની ઋતુ દરમિયાન કુદરત જાણે મહેરબાન હોય તેમ ડુંગરો ઉપર લિલી હરિયાળી છવાયેલી રહે છે. જે લીલોતરી પ્રવાસીઓને આકર્ષિત કરે છે. ચોમાસા દરમિયાન અહીં મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન પણ કરવામાં આવે છે. પણ હાલમાં કોરોનાં મહામારીના કારણે તમામ કાર્યક્રમો સ્થગિત કરી દેવામાં આવ્યાં છે.
કોરોના વાઈરસના સંક્રમણને ધ્યાનમાં રાખી અહીંના તમામ જોવા લાયક સ્થળો પ્રવાસીઓ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. જ્યારે થોડા દિવસ પહેલા સાપુતારા નજીક નવાગામમાં કોરોનાં વાઈરસના કેસ સામે આવતાં સાપુતારાનાં તમામ લારી-ગલ્લા અને પાણીની દુકાનો બંધ જોવા મળી રહી છે.