આહવા ખાતે સંકલિત મહિલા બાળ વિકાસ દ્વારા આંગણવાડી કાર્યકરોને માતા યશોદા એવોર્ડ વિતરણ તેમજ બાલ વિકાસ યોજના કચેરીનું લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ વખતે આંગણવાડી કાર્યકર બહેનોને અભિનંદન આપતા પ્રમુખ બીબીબહેન ચૌધરીએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાનની યોજનાને સાકાર કરવા અમારી આંગણવાડીની બહેનો દ્વારા બાળકોને પોષણક્ષમ આહાર અને ગરમ નાસ્તો નિયમિત રીતે અપાય છે. આ કામગીરીને બિરદાવવા માટે તેઓને માતા યશોદા એવોર્ડ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે.
જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા પોષણ અભિયાનની શરૂઆત જુલાઈ 2018થી શરૂ કરવામાં આવી હતી. ખાસ કરીને આંગણવાડીના બાળકોનું આરોગ્ય તંદુરસ્ત રહે તેમજ કિશોરીઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે સરકાર દ્વારા પોષણક્ષમ આહારનું વિતરણ કરવામાં આવે છે. આંગણવાડી બહેનો દ્વારા બાળકોને નિયમિત પોષણક્ષમ આહાર મળવાથી તેમની તંદુરસ્તીમાં વધારો થાય છે.
પ્રોગ્રામ ઓફિસર ભાનુબહેન વ્યાસે સૌને આવકારી કુપોષણ દુર કરવા આંગણવાડીના બહેનોને સરકારની યોજનાઓની જાણકારી જનજન સુધી પહોંચે તે માટે સૂચન કર્યું હતું. તેમજ પોષણ અભિયાન ડાંગ જિલ્લા કો.ઓર્ડિ. જયમિત ચૌધરીએ જણાવ્યું હતું કે, સહી પોષણ દેશ રોશનના સંકલ્પને સાકાર કરવા માટે વડાપ્રધાને આ અભિયાનની શરૂઆત કરી છે. બાળકોને તંદુરસ્ત બનાવવા માટે સુપોષણ સપ્તાહ, બાલતુલા, અન્ન પોષણ, અન્ન વિતરણ અને મમતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.