સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના પાટનગર સેલવાસમાં આદિવાસી મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. 40 વર્ષ જુના આ મ્યુઝિયમમાં દાદરા નગર હવેલીના આદિવાસીઓની સંસ્કૃતિ, રિતરીવાજોની ઝલક પ્રદર્શિત કરવામાં આવી રહી છે. આ અનોખા મ્યુઝિયમમાં આદિવાસી કઈ રીતે રહેતા હતા, કેવા પોશાકો પહેરતા હતા, તેમના ખેતીના ઓઝારો, શિકારના ઓઝારો, સંગીતના સાધનો, જેવા કે ઢોલક, તારપા સહિતની ચીજવસ્તુઓને પ્રવાસીઓ સમક્ષ રજુ કરાઈ છે.
એક લટાર, આદિવાસી સંસ્કૃતિનો મેળાપ કરાવતા મ્યુઝીયમની
દાદરા નગર હવેલીઃ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં અનેક રમણીય સ્થળો આવેલા છે. જેની મુલાકાતે દેશ-વિદેશના પર્યટકો આવે છે, ત્યારે મૂળ આદિવાસી મુલક ગણાતા આ પ્રદેશમાં 40 વર્ષથી આદિવાસી સમાજની સંસ્કૃતિ, રહેણી કહેણી અને રીત-રિવાજોની ઝાંખી કરાવતું એક અનોખું મ્યુઝિયમ આવેલું છે.
આદિવાસી મ્યુઝિયમના પટાંગણમાં દાદરા નગર હવેલી પ્રવાસન વિભાગે ખાસ આદિવાસીઓએ બનાવેલી ચીજવસ્તુઓના વેંચાણ અર્થે સુવેનિયર શોપ પણ ખોલવામાં આવી છે. જેમાં વાંસ (બામ્બૂ)માંથી બનાવેલ ખાસ ચીજવસ્તુઓનું વેંચાણ કરવામાં આવે છે. સાથે સાથે આદિવાસી વારલી પેઈન્ટિંગ્સથી તૈયાર કરવામાં આવેલ કિચેઇન, વોલ પેંઇટિંગ્સ, ડાયરી, કોફી-મગ, ટીશર્ટ, સ્કાર્ફ, બામ્બૂમાંથી બનાવેલ હરણ, મોર, બાળકોને રમવા માટે રમકડા, સીટી, તારપા જેવી ચીજવસ્તુઓને પ્રવાસીઓ હોંશેહોંશે યાદગીરી રૂપે ખરીદે છે.
સેલવાસનું આ આદિવાસી મ્યુઝિયમ સાચા અર્થમાં આદિવાસી સંસ્કૃતિની ઝલક આપતું અનોખું મ્યુઝિયમ છે. એટલે અહીં આવતા પ્રવાસીઓ હાલના આધુનિક યુગમાં બદલાયેલા દાદરા નગર હવેલીની તાસીર અને તસ્વીર જોવે છે અને સાથે વર્ષો પહેલાના આ આદિવાસી મુલકની ઝલક પણ માણે છે. જે તેમને ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળની અનુભૂતિ કરાવે છે.