ગુજરાત

gujarat

ETV Bharat / state

Silvassa News : PM મોદીના પ્રોજેકટમાં કામ કરતા મજુરોને પગાર ન ચુકવતા ખાવાના ફાંફા, પૈસા માંગે તો ધમકાવે

PM મોદીના વડોદરા મુંબઈ એક્સપ્રેસ પ્રોજેકટના કામદારોને 3 માસથી પગાર ચૂકવવામાં ન આવ્યો હોવાનું સામે આવ્યું છે. સરકાર તરફથી કોન્ટ્રાકટરને 65 કરોડ જેટલું ચુકવણું કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે કામદરોનું કહેવું છે કે, પરિવારમાં બાળકોનો અભ્યાસ, બીમારી જેવી મુશ્કેલીઓ છે. પગાર માંગવી તો ધમકાવવામાં આવે છે.

Silvassa News : PM મોદીના પ્રોજેકટમાં કામ કરતા મજુરોને પગાર ન ચુકવતા ખાવાના ફાંફા, પૈસા માંગે તો ધમકાવે
Silvassa News : PM મોદીના પ્રોજેકટમાં કામ કરતા મજુરોને પગાર ન ચુકવતા ખાવાના ફાંફા, પૈસા માંગે તો ધમકાવે

By

Published : Apr 14, 2023, 10:35 PM IST

PM મોદીના વડોદરા મુંબઈ એક્સપ્રેસ પ્રોજેકટના કામદારોને 3 માસથી પગાર ચૂકવવામાં નથી આવ્યો

સેલવાસ :વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ મનાતા વડોદરા મુંબઈ એક્સપ્રેસ પ્રોજેક્ટ ઘોંચમાં પડે તેવી શક્યતા સેવાઇ છે. કારણ કે, વડોદરા મુંબઈ એક્સપ્રેસ પ્રોજેકટ હેઠળ કામ કરતા કામદારોને હડતાળ પાડી છે. પ્રોજેકટ હેઠળ કામ કરતા કોન્ટ્રાક્ટરે કામદારોને 3 મહિનાનો પગાર નહીં ચુકવ્યાનું સામે આવ્યું છે. પગાર નહી ચુકવતા કામદારોએ સેલવાસના નરોલી પોલીસ મથકે રજૂઆત કરી છે.

3 મહિનાનો પગાર નથી મળ્યો :વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાથે દિલ્હી મુંબઈ કોરિડોર પર એક્સપ્રેસ હાઇવેનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઇવેનો કોન્ટ્રાકટ પૂનાની રોડવેઝ સોલ્યુશન ઇન્ડિયા ઇન્ફ્રા લિમિટેડને આપવામાં આવ્યો છે. આ કોન્ટ્રાક્ટ કંપની દ્વારા જાન્યુઆરીથી માર્ચ સુધીના 3 મહિનાનો પગાર કામદારોને નહીં ચૂકવતા કામદારોએ હડતાળ પાડી સેલવાસના નરોલી આઉટ પોસ્ટ ખાતે પોલીસ અધિકારીને રજૂઆત કરી અને મીડિયા સમક્ષ પોતાની હૈયા વરાળ ઠાલવી હતી.

પગાર નહિ મળતા કામદારો મુશ્કેલીમાં :કામદરોનું કહેવું છે કે, તેમને કોન્ટ્રાકટર દ્વારા 3 મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો નથી. પગાર માંગે છે તો તેમને ધમકાવવામાં આવે છે. કામદારો અહીં MP, UP, પંજાબથી કામ કરવા આવ્યા છે. જેઓ હાઇવેના પ્રોજેકટમાં ચાલતા ડમ્પર, કોન્ક્રીટ મિક્સરમાં ડ્રાઇવર તરીકે તેમજ કેટલાક ઓપરેટર તરીકે નોકરી કરે છે. કંપનીએ પગારના પૈસા નહીં આપતા તેઓને ખાવાના ફાંફા પડી રહ્યા છે. પરિવારના બીમાર સભ્યોની સારવાર નથી કરાવી શકતા, બાળકોના એડમિશન માટે તેમજ અભ્યાસ માટે ફી ભરી નથી શક્યાં, બાળકોનો અભ્યાસ અટક્યો છે. કોઈ ઉધાર પણ આપતું નથી.

પગાર ચૂકવવાની ખાતરી :કામદારોએ હડતાળ પાડી નરોલી પોલીસ મથકે રજુઆત કરતા પોલીસ સબ ઇન્સ્પેકટર સુરજ રાઉતે વિગતો આપી હતી કે, કામદારોની સમસ્યા સાંભળી રોડવેઝ સોલ્યુશન ઇન્ડિયા ઇન્ફ્રા લિમિટેડ કંપનીના ધર્મબિર પાંડે સાથે વાત કરી છે. જેમણે હાલ બાંહેધરી આપી છે કે, આગામી એક સપ્તાહમાં તે તમામ કામદારોનો પગાર ચૂકતે કરી દેશે. જોકે ETV Bharat તરફથી કોન્ટ્રાકટર ધર્મબિર પાંડેનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ આવ્યો હતો.

આ પણ વાંચો :ફેક્ટરીમાં કાર્બન ડાયોક્સાઈડ ગેસ લીક, પાંચ કામદારો બેહોશ

કોન્ટ્રાકટરને 65 કરોડનું ચુકવણું કર્યું છે :વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઇવે પ્રોજેક્ટ મોદી સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ હોય તેના જ કોન્ટ્રાકટર દ્વારા કામદારોને પગાર નહિ ચૂકવવામાં આવ્યો હોય એ અંગે ETV ભારત દ્વારા પ્રોજેક્ટ ડાયરેક્ટર તુષાર વ્યાસ સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે આ બાબતને ગંભીર ગણાવી જણાવ્યું હતું કે, કોન્ટ્રાકટરને સરકાર તરફથી રેગ્યુલર બિલના પેમેન્ટનું ચુકવણું કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ અત્યાર સુધીમાં રોડવેઝ સોલ્યુશન ઇન્ડિયા ઇન્ફ્રા લિમિટેડ પેઢીને 65 કરોડ જેટલું ચુકવણું કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :ભરૂચના ગેલાની તળાવ માટી ધસી પડતા બે કામદાર દટાયા

મોદી ડ્રિમ પ્રોજેક્ટ પડ્યો ઘોંચમાં :ઉલ્લેખનીય છે કે, નરોલી આઉટ પોસ્ટ પર એક્સપ્રેસ હાઇવેના કામકાજથી અળગા રહેલા 200થી વધુ કામદારો હાલ પોતાના પગાર માટે રજૂઆત કરી વહેલી તકે પગાર મળે તેના પર મીટ માંડીને બેઠા છે. ત્યારે, જો કોન્ટ્રાકટર દ્વારા તેમને પગારનું ચુકવણું કરવામાં નહિ આવે તો, મોદી સરકારના આ ડ્રિમ પ્રોજેક્ટ પર વિલંબથી પૂરો થવાનું ગ્રહણ લાગશે.

ABOUT THE AUTHOR

...view details