દમણના સરીગામ ખાતે દેશની સમસ્યાઓ ઉપર સેમિનાર યોજાયો
દમણઃ સરીગામમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ગ્લોબલ વોર્મિંગ, શિક્ષણ, ખેતી, પર્યાવરણ જેવા ગંભીર અને મહત્વના વિષયો પર દેશના પ્રતિષ્ઠિત વક્તાઓ દ્વારા આજની યુવા પેઢીને માહિતગાર કરાયા હતાં. દેશ માટે કઈ ટેકનોલોજી કેટલી મહત્વની છે. તે અંગે વિસ્તૃત માહિતી આપી દેશને સ્વાવલંબી બનાવવા યુવાઓની ભૂમિકા પર પ્રકાશ પડાયો હતો.
સરીગામ ખાતે આવેલા શ્રીમતી શાંતાબેન હરિભાઇ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્કૂલ અને કોલેજ લક્ષ્મી વિદ્યાપીઠ ખાતે 'TED-X' કાર્યક્રમમાં દેશના આઠ જેટલા પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ પર્યાવરણ, ગ્લોબલ, વોર્મિંગ, ખેતી વગેરે વિષયો પર આવનારી પેઢી એ કેમ ટકવું તે અંગે માહિતી પ્રદાન કરી હતી. આ કાર્યક્રમમાં ડો. ભૈરવી જોશી દ્વારા સ્વચ્છતા ઉપર વક્તવ્ય આપ્યું હતું અને આ અંગે શું કરવું જોઈએ તેના નવતર વિચારો રજૂ કર્યા હતા. શેખર ભડસાવલેએ ખેતીની નવી પધ્ધિતીની માહિતી આપી હતી. શેખર ભડસાવલે એ જણાવ્યું હતું કે દેશમાં હાલમાં જે નવી ટેક્નોલોજી આવી છે તે SRT એટલે કે સગુણા રાઈસ ટેકનીક ખેતી ઉત્પાદનમાં ખૂબ જ ફાયદાકારક છે. ઝીરો ટીલ કન્ઝર્વેશન એગ્રીકલ્ચર મેથડ તરીકે ઓળખાતી આ ટેકનોલોજીમાં ના તો ખેડૂતોએ મોંઘી મશીનરી ખરીદવા ની જરૂર છે ના અન્ય વધુ ખર્ચા કરવાની જરૂર છે. આ સાદી અને સરળ ટેક્નિક વર્ષો પહેલા આપણા જ વેદ ગ્રંથમાં લખાયેલ છે. પરંતુ આપણે અત્યાર સુધી તેનાથી અજાણ હતા. આ પદ્ધતિથી દેશના કેટલાય ખેડૂતો વધુ ઉત્પાદન મેળવી પગભર થઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં SRT ખુબ જ પ્રચલિત બની રહી છે. અને આ ટેક્નિક માટે ચીન, થાઈલેન્ડ, વિયેતનામ અને ઇઝરાયેલથી પણ તેમને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે.