દમણમાં દરિયા કિનારે રોડની કામગીરી બાબતે રાજકારણ ગરમાયું
દમણ: દેવકા બીચ ખાતે પ્રશાસન દ્વારા સી-ફેસ રોડની કામગીરીમાં CRZની પર્યાવરણીય મંજૂરી લેવામાં ન આવતા આ કામગીરી તાત્કાલિક બંધ કરી દેવાની માંગ કરવામાં આવી છે. મુંબઈ હાઇકોર્ટમાં PIL કરવામાં આવી છે. જેને લઈને દમણ પ્રશાસન, ભાજપ અને સ્થાનિક અન્ય પક્ષોમાં ગરમાવો જોવા મળ્યો હતો.
દમણમાં પ્રશાસક પ્રફુલ પટેલ દ્વારા કરોડો રૂપિયાનાં વિકાસનાં પ્રોજેકટ હાથ ધરાયા છે. જેમાં એક પ્રોજેકટ કરોડો રૂપિયાનાં ખર્ચે મુંબઈનાં મરીન સી-ફ્રન્ટ રોડની થીમ પર દેવકા બીચ ખાતે sea-face રોડ અને બ્યુટીફીકેશનનો છે. આ કામગીરી અંગે જીતેન્દ્ર મારુ નામનાં વ્યક્તિએ મુંબઈ હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરી છે કે,પ્રશાસન દ્વારા આ માર્ગની કામગીરી દરમિયાન CRZ પર્યાવરણીય મંજૂરી લીધી નથી. આ માર્ગ દરિયાઈ ભરતીની નજીક છે. જે આવનારા દિવસોમાં નુકસાનકારક બની શકે છે. માટે આ પ્રોજેકટને અટકાવી દેવામાં આવે.