ટુક સમયમાં નવરાત્રી દિવાળીના તહેવારો શરૂ થશે. બુટલેગર પણ દમણમાંથી દારૂની ખેપ મારવા મશગુલ બન્યા છે. અને અવનવા કિમીયા અજમાવી દારૂના જથ્થાને ગુજરાતમાં ઠાલવી રહ્યાં છે. આવા જ કિમીયા સાથે દમણથી પ્લાસ્ટિકના ડ્રમમાં દારૂ ભરીને ગુજરાતમાં લઈ જતા એક ખેપિયાને પોલીસે ઝડપી પાડયો છે.
પોલીસના જણાવ્યાનુંસાર વાપી દમણની બોર્ડર પર ચલા ચેકપોસ્ટ ખાતે વાપી ટાઉન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. જે દરમિયાન બાતમી આધારે દમણથી આવેલી એક પીકઅપ વાનને અટકાવી તેમાં તપાસ કરતા, પ્લાસ્ટિકના કેમિકલમાં વપરાતા સાત જેટલા ડ્રમ પડ્યા હતા. પોલીસે આ ડ્રમમાંથી દમણની બનાવટનો દારૂ મળી આવ્યો હતો. પોલીસે 1.59 લાખના દારૂ સાથે ડ્રાઇવરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
વાપીમાં પોલીસની બૂટલેગરો પર તવાઈ 5 લાખનો દારૂ અને 5 લાખના વાહનો જપ્ત કર્યા વાપી ટાઉન પોલીસે હાલમાં દારૂના ખેપિયાઓ પર તવાઈ બોલાવી છે. છેલ્લા બે દિવસમાં વાપી ટાઉન પોલીસે અન્ય એક કારમાંથી 65 હજારનો દારૂ અને બીજી એક કારમાંથી બે લાખ આસપાસના દારૂ સાથે કુલ પાંચ લાખ આસપાસનો દારૂ અને 5 લાખ આસપાસના વાહનો ઝપ્ત કર્યા છે. દારૂની હેરાફેરી કરતા પકડાયેલ ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, નવરાત્રી-દિવાળીના તહેવારો આવી રહ્યા હોય, આ દરમિયાન ગુજરાતમાં મોટાપાયે દારૂનું વેચાણ થતું હોય છે. ગેરકાયદેસર દારૂનું વેચાણ કરી તગડી કમાણી કરી લેવા માટે બુટલેગરો પણ સક્રિય થયા છે. જેઓની સામે પોલીસ વિભાગ પણ સતેજ બની દમણની બનાવટની દારૂની ખેપ મારતા ખેપિયાઓ ઉપર સકંજો કસી રહી છે.