દમણના સંસાદનું આદર્શ ગામ આગામી દિવસોમાં CCTVથી સજ્જ થાય તેવી લોકમાંગ
દમણઃ લોકસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. ત્યારે ગત ટર્મના સાંસદ લાલુભાઇ પટેલે દમણના પરિયારીને આદર્શ ગામ તરીકે દત્તક લીધું હતું. આ ગામમાં કેટલો વિકાસ થયો છે. તે અંગે ETV ભારતે ગામલોકોની મુલાકાત કરી ગામલોકોનો અભિપ્રાય જાણ્યો હતો. જેમાં આ ગામમાં સાંસદ લાલુભાઈ પટેલે મહત્તમ વિકાસ કર્યો હોવાનું ગામ લોકોએ જણાવ્યું હતું. આ ઉપરાંત ગામલોકોએ ગામના વિકાસમાં વધુ એક છોગું ઉમેરાય તે માટે ગામના તમામ મુખ્ય માર્ગોને CCTV થી સજ્જ કરાય તેવી લોકમાંગ કરી હતી.
દમણમાં ભાજપના સાંસદ લાલુભાઇ પટેલે દમણના પરિયારી ગામને આદર્શ ગામ બનાવવા માટે દત્તક લીધું હતું. અને પોતાના સાંસદ નિધિ ફંડમાંથી ગામનો ખૂબ જ સારો વિકાસ કર્યો હોવાનું પરિયારી ગામના ગ્રામજનોએ જણાવ્યું હતું. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, આદર્શ ગામ હેઠળ પરિયારી ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારમાં વિકાસના મહત્વના કહેવાતા તમામ કામ સાંસદ લાલુભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યા છે. 85 ટકા આદિવાસી મતદારો ધરાવતા પરિયારી ગામમાં પાછલા ત્રણ વર્ષમાં મહત્વના તમામ કામો કરવામાં આવી રહ્યા છે. જે કામો 20 વર્ષ પહેલા કોઈ સરકારે કર્યા જ નહોતા, ગામમાં આંગણવાડી, સ્કૂલ, ગામના તમામ મુખ્ય રસ્તા, શૌચાલય સહિત TV સેન્ટર, 2.5 કરોડના ખર્ચે મોડેલ સ્કૂલ, પ્લેગ્રાઉન્ડ, સ્મશાન ભૂમિનો રસ્તો જંમપોર બીચનો વિકાસ સહિતના કામો કરવામાં આવ્યા છે. ગામમાં 534 જેટલા શૌચાલય પણ બનાવવામાં આવ્યા છે.
ગામનો વિકાસ સાચા અર્થમાં વિકાસને વર્યો છે. રસ્તા, પાણી, લાઇટ, સ્ટ્રીટલાઈટ સહિતના તમામ મહત્વના કામોને પૂર્ણ કરવામાં આવ્યા છે. અથવા તો પૂર્ણતાને આરે છે. ત્યારે આગામી દિવસોમાં પરિયારી ગામને CCTVથી સજ્જ કરવામાં આવે તેવી માંગ પણ ગ્રામજનોએ કરી હતી. ગ્રામજનોએ સાંસદની સાથે વિદ્યુત બોર્ડનો પણ આભાર માન્યો હતો કે, દમણ પરિયારી ગામના તમામ મુખ્ય માર્ગો પર LED લાઇટની સુવિધા પૂરી પાડવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે દમણનું પરીયારી ગામ દરિયા કાંઠે આવેલું અને પ્રવાસીઓથી ધમધમતું ગામ છે. આ ગામમાં દરિયાકાંઠે જંમપોર બીચ આવેલો હોય વધુમાં વધુ પ્રવાસીઓ આ બીચની મુલાકાતે આવે, અને તેમને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે તે, પ્રકારે બાકી રહેલા વિકાસના તમામ કામો પણ વહેલી તકે પૂરા કરવામાં આવે તે અંગે પણ સાંસદ અને પ્રશાસન સમક્ષ રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું.