વાપી: ઉમરગામ તાલુકામાં ધોધમાર 14.50 ઇંચ વરસ્યા બાદ અનેક ગામમાં લોકોનું સ્થળાંતર કરવું પડ્યું છે. તેમજ પારાવાર જાનમાલની નુકસાની વેઠવી પડી છે, ત્યારે સ્થાનિક ધારાસભ્ય અને આદિજાતી વન પ્રધાન રમણ પાટકર આ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરી હતી.
રાજ્ય પ્રધાન રમણ પાટકરે વરસાદમાં જાનમાલનું નુકશાન વેઠનારા 1000 કુટુંબ સહાય ચૂકવી - કેશડોલ અને મૃત્યુ સહાય ચૂકવાઈ
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ભારે વરસાદને કારણે જાનમાલની ખૂંવારી વેઠનારા અસરગ્રસ્ત પરિવારોની સ્થાનિક ધારાસભ્ય અને ગુજરાત રાજ્યપ્રધાન રમણ પાટકરે મુલાકાત કરી હતી. પાટકરે તાત્કાલિક સરકાર અને તેમના સાંસ્કૃતિક મંડળના સહયોગથી 1000 કુટુંબોને 32,010 કેશડોલ સહાય તેમજ મૃત્યુ સહાયના 4 લાખનો ચેક મૃતકના પરિવારને સુપ્રત કર્યો હતો.
પાટકરે આ અંગે વિગતો આપી હતી કે, ઉમરગામમાં કુલ એક હજાર પરિવારો અસરગ્રસ્ત બન્યા છે. 2 લોકોના મૃત્યુ થયા છે. સરકારના જવાબદાર અધિકારી તરીકે તાત્કાલિક આ તમામ અસરગ્રસ્ત પરિવારોને રાશન સહિતની કીટ આપવામાં આવી છે. જેમાં 66,000 સુધીની કેશડોલ સહાય સહિતની સહાય સામગ્રી પુરી પાડવામાં આવી રહી છે. અતિવૃષ્ટિને કારણે આ વિસ્તરમાં આવેલા બોરલાઈ, ખાતલવાડા, સંજાણ, ભિલાડ ઘોડિપાડા, ઝારોલી, અંકલાસ સહિતના ગામમાં 5 ફૂટ પાણી ભરાયા હતાં. જેમાં ગામલોકોની તમામ ઘરવખરી તણાઈ ગઈ છે. આવા પરિવારોને કેશડોલ સહાય આપવામાં આવી છે.
આ વિસ્તાર બે વ્યક્તિઓ મોતને ભેટ્યા હતાં. જેમાં એકનું મોત વીજળી પડવાથી જ્યારે બીજાનું મૃત્યુ કાર સમેત પાણીમાં ડૂબી જવાથી થયું હોય તેને મળવાપાત્ર 4 લાખની સહાયના ચેક પણ આપવામાં આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, ઉમરગામમાં ભારે વરસાદમાં 1000 જેટલા પરિવારો અસરગ્રસ્ત થયા છે. આ સાથે સાથે 4 જેટલા ગામના મુખ્ય માર્ગોની પણ ધોવાણ થયું છે. જે માટે પણ PWDએ કામગીરી હાથ ધરી છે. GEBએ પણ થાંભલા અને કેબલ રીપેરીંગની કામગીરી હાથ ધરી છે.