ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂની હેરાફેરી થવી એ કોઈ નવી વાત નથી. વાપીમાં દરરોજ મોટી માત્રામાં દારૂ અને દારૂના ખેપિયા પકડાઈ રહ્યા છે. દારૂની હેરાફેરીને રોકવા પોલીસ ટીમ પણ સતર્ક બની ચૂકી છે. દારૂની હેરાફેરી કરનારાઓ સામે સકંજો કસી રહી છે. પોલીસ ટીમ દ્વારા વાપીના અલગ-અલગ સ્થળોએથી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
વાપીમાં હવે બાળકો પણ કરી રહ્યા છે દારૂની હેરાફેરી વાપી ટાઉન પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર, LCB(લોકલ ક્રાઈમ બ્રાન્ચ)ની ટીમ વાપી ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન વાપી નજીકના ભડકમોરા, નાની સુલપડ રોડ, ગુજરાતી સ્કૂલ અને નગર પાલિકા બિલ્ડીંગની સામે રોડ પરથી નંબર વગરની એક બાઈક પર કોથળાઓ ભરીને બાઇક સવાર પસાર થઈ રહ્યો હતો. ત્યારે પોલીસને શંકા જતાં તેને અટકાવ્યો હતો. પૂછપરછ કરતાં આ અજય નાયક (ઉં.20), વિજય પટેલ (ઉં.27) અને એક બાળકિશોર બલીઠાના રહેવાસસી હોવાનું જણાવ્યું હતું. બાઈક ઉપર મીણીયા કોથળા હતા તેની તપાસ કરતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ મામલે બે વ્યક્તિઓની અટકાયત કરી ભડકમોરાના રેહવાસી હાર્દિક પટેલને વોન્ટેડ જાહેર કર્યો હતો.
વાપી ટાઉન પોલીસની બીજી ટીમે કોપરલી ચાર રસ્તા પાસેથી કાર નં. GJ-06-SS-4649 ને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં કારમાં સવાર ઈસમો કાર છોડીને ભાગી છૂટયા હતાં. પોલીસને આ કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેની કિંમત 78,300 તથા વાહનની કિંમત 2.50 લાખ આંકવામાં આવી હતી. જયારે ગોલ્ડ કોઈન સર્કલ પાસેથી પસાર થઈ રહેલી રીક્ષા નં.GJ-05-XX-6006 ને અટકાવી તપાસ કરતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેની હેરાફેરી કરનારા ભાવેશ ગાયકવાડ, નવદીપ ગજેરા, મનિષ ગજેરા, મહેશ રાઠોડ (તમામ રહેવાસી સુરત) ની અટકાયત કરવામાં આવી હતી.
આ ઉપરાંત પોલીસે મોરાઈ ફાટક પાસેથી કાર નં.GJ-12-DG-4942 ને અટકાવી તપાસ કરતા તેમાંથી રૂ.42 હજારનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. હેરાફેરી કરનાર ચેતન મોહન, જેમીન જે સુરતના રહેવાસી છે. તેમને દારૂની હેરાફેરીના કેસમાં ઝડપ્યા હતા. તો દારૂ મંગાવનાર સુરતના જીતેન્દ્રને વોન્ટેડ જાહેર કર્યો હતો. તો એક તરફ વાપી ઉદ્યોગનગર પોલીસે વાપી GIDC ચાર રસ્તાથી રીક્ષા ટેમ્પો નં.DD-03-K-7580 ને રોકતાં ચાલક પોલીસને જોઈ ફરાર થઈ ગયો હતો. પોલીસે અંદર તપાસ કરતા વેફર્સનો જથ્થો આડમાં દારૂનો જથ્થો ભરેલો મળ્યો હતો. વાહન અને દારૂ મળી કુલ રૂ. 2,13,600 નો જથ્થો કબ્જે કરી આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી.