દમણ : સંઘપ્રદેશ દમણમાં રીંગણવાડા વિસ્તારમાં આવેલી અરવિંદ ટેકસ્ટાઈલ્સ કંપનીમાં મળસ્કે 3:30 વાગ્યા આસપાસ અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગની જ્વાળાઓએ જોતજોતામાં કંપનીના પહેલા અને બીજા માળને પોતાની ઝપેટમાં લીધો હતો.
દમણની ટેક્સટાઇલ કંપનીમાં ભીષણ આગ, કંપની સંપૂર્ણ રીતે બળીને ખાખ
દમણના રીંગણવાડા વિસ્તારમાં આવેલા અરવિંદ ટેક્સટાઇલ નામની કંપનીમાં ભીષણ આગ લાગી હતી. મોડી રાત્રે 3:30 વાગ્યે લાગેલી આગમાં કંપની બળીને ખાખ થઈ ગઈ છે. આગને કાબૂમાં લેવા 11 ફાયર ફાયટરોની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.
આ સમયગાળા દરમ્યાન દમણ ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક 3 ફાયર ફાયટરોની ટીમ આગ બૂઝાવવા પહોંચી હતી. પરંતુ આગનું વિકરાળ સ્વરૂપ જોતા વાપી ટાઉન, વાપી નોટિફાઇડ, સરીગામથી પણ ફાયરના ફાઇટરને બોલાવવા પડ્યા હતાં. જે દરમિયાન આગ સતત વધતી હોય ફાયરના જવાનોએ પાણી અને ફોમનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતાં.
આગની વિકરાળ જ્વાળા નજીકની કંપનીમાં ના પ્રસરે તે માટે નજીકની બે કંપનીઓમાં અને તેની આસપાસના એરિયામાં પણ પાણીનો મારો ચલાવવા માં આવ્યો હતો. કુલ 11 ફાયર ફાઈટરોની મદદથી આગ પર કાબૂ મેળવાયો હતો. પરંતુ ત્યાં સુધીમાં આગની જ્વાળામાં કંપની બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે આગનો ઘટનમાં કોઈ જાનહાની થઈ નથી.