ગુજરાત

gujarat

ETV Bharat / state

દાદરા નગર હવેલીમાં 5 દિવસીય લવાછાના મેળામાં ઉમટ્યું માનવ મહેરામણ

સેલવાસ: સૌરાષ્ટ્રમાંં જેમ શ્રાવણ મહિનો એટલે મેળાનો મહિનો તેમ દક્ષિણ ગુજરાત અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ફાગણ મહિનો એટલે મેળાનો મહિનો ગણાય છે. તેમાં પણ દાદરા નગર હવેલીના લવાછા ખાતે મુખ્ય માર્ગની બંને તરફ યોજાતો પાંચ દિવસીય મેળો આ વિસ્તારના લોકોમાં આકર્ષણનું કેન્દ્ર છે. હોળી-ધુળેટી પર્વ પર આ મેળામાં લોકો વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરીને ચકડોળમાં બેસી કે ખાણી પીણીની મોજ માણે છે.

સ્પોટ ફોટો

By

Published : Mar 23, 2019, 12:12 AM IST

દક્ષિણ ગુજરાત, સંઘપ્રદેશ સેલવાસના આદિવાસી પટ્ટામાં હોળી ધુળેટીનું અનેરું મહત્વ હોય છે. ખેતીના કામમાંથી ફુરસદ મેળવી આદિવાસી સમાજ મેળાને મ્હાલવાનું અચૂક પસંદ કરે છે. એ માટે વર્ષોથી લવાછા ખાતે પાંચ દિવસીય મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં સ્થાનિક આદિવાસીઓ ઉપરાંત દેશભરમાંથી આવતા વેપારીઓને રોજગારી મળે છે. આ મેળો દર વર્ષે વલસાડ અને સંઘ પ્રદેશના લોકો માટે પાંચદિવસીય મહોત્સવ બની જાય છે.

વાપીના છેવાડે અને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની હદ પર લવાછાના મેળામાં આ વર્ષે પણ રમકડાં, ઘર વપરાશની ચીજ વસ્તુઓ, મહિલાઓના સાજ શણગાર સહિત સ્ત્રી પુરુષો માટેના કપડા, બુટ, ચશ્મા સહિતની અનેક વેરાયટીના સ્ટોલ લાગ્યા છે. તો સાથે સાથે ગોળગોળ ફરતી ચકડોળ, ડ્રેગન ટ્રેન, બ્રેક ડાન્સ, ઝુંબાઝુંબા મોતનો કૂવો અને સર્કસના ખેલ જોઈને લોકો મેળાનો આનંદ માણી રહ્યાં હતાં. તેમાં પણમોતના કૂવામાં બુલેટ બાઇક અને મોટરકારના કરતબે લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. મોતના કૂવામાં કાર પર બેસી યુવતીએ પોતાની અદાથી અનેકને ઘાયલ કર્યા હતા.

પાંચ દિવસીય લવાછાના મેળામાં ઉમટયું માનવ મહેરામણ

આ મેળાની ખાસિયત એ છે કે, આ મેળો વાપી સેલવાસ માર્ગની બંને બાજુના માર્ગ પર હોયછે. જેમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને ટ્રાફિક જામની સમસ્યા ના સર્જાય તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. મેળામાં વાપી વલસાડ જિલ્લા સહિત પડોશી સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાંથી પણ હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details