- દમણમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટનું સર્ચ ઓપરેશન
- RMCL કંપનીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું
- અગ્રવાલ પરિવારે સામે 20 હજાર કરોડની છેતરપીંડીના આક્ષેપ
દમણ:કેન્દ્રશાસિત પ્રદેશ દમણના ભીમપોર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી રાધા માધવ કોર્પોરેશન લિમિટેડ (RMCL)ની કોર્પોરેટ ઓફિસ તથા અનિલ અગ્રવાલના ઘરે ED (Enforcement Directorate)ના અધિકારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ. શુક્રવારે બપોરથી ચાલી રહેલી તપાસમાં કેટલાક દસ્તાવેજો અને ડિજીટલ રેકર્ડ કબજે કર્યા હોવાની વિગતો મળી છે. જ્યારે, સંચાલક અનિલ અગ્રવાલ અને મિતેશ અગ્રવાલ દમણ બહાર હોય ED તેની પૂછપરછ કરી શકી નથી.
અગ્રવાલ પરિવારે અંદાજિત 20 હજાર કરોડનું કૌભાંડ આચર્યું હોવાની શક્યતા
ડાયરેક્ટ સેલિંગ અને નેટવર્કિંગના નામે રૂપિયા ડબલ કરવાની સ્કીમ બતાવી લોકો સાથે કપટ કરનારા તેમજ દમણના અનેક ગરીબ ખેડૂતોની જમીન પચાવી પાડી. સિંગાપુર, દુબઈમાં કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરનાર RMCL (Radha Madhav Corporation Limited) ના અનિલ અગ્રવાલ અને મિતેશ અગ્રવાલની કોર્પોરેટ ઓફીસ અને નિવાસસ્થાને EDએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. અગ્રવાલ પરિવારે અંદાજિત 20 હજાર કરોડનું કૌભાંડ આચર્યું હોવાની શક્યતા આધારે આ રેઇડ કરવામાં આવી છે.
ડબલ સ્કીમની લાલચ આપેલી
મળતી વિગતો મુજબ, અગ્રવાલ પરિવારે સ્કીમ પ્રમાણે એક વ્યક્તિએ કંપનીમાં 2.5 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરવાથી પહેલા તેઓને 20,000 રૂપિયાનો સામાન મળશે અને ત્યારબાદ બે વર્ષ સુધી દર મહિને 24,500 આપવા જણાવાયું હતુ. કંપનીએ બેથી ત્રણ માસ સુધી લોકોના ખાતામાં રૂપિયા જમા પણ કરાવ્યા હતા. જોકે, ત્યારબાદ રૂપિયા આપવાનું બંધ કરતા લોકોને છેતરાઇ ગયા હોવાની જાણ થઇ હતી.
53 લાખ લોકોની કામની ચાઉ કરી
રાધામાધવ કોર્પોરેશન લિમીટેડના માધ્યમથી મિતેશ અગ્રવાલે લાખો લોકોને જણાવેલું કે, નેટવર્કિંગ અને ડાયરેકટ સેલિંગ ખૂબ જ સારો બિઝનેસ છે. જયાં કોઇપણ વ્યક્તિ રૂપિયાની કમાણી કરી પોતાની જિંદગી બદલી શકે છે. તેમજ મિતેશ અગ્રવાલે લોકોને પૈસા ડબલ કરી આપવાની લાલચ આપતા લોકો તેની વાતમાં આવી ગયા હતા. દેશના 53 લાખ લોકો એવા છે કે જેઓ આ જાળમાં ફસાયા છે.
EDની રેઇડ દરમિયાન અનિલ અગ્રવાલ અને પુત્રો મળ્યા નહીં
હાલ આ અંગે ED દ્વારા કોઈ વિગતો આપવામાં આવી નથી, પરંતુ શુક્રવારથી EDના અધિકારીઓનો કાફલો રાધા માધવ કોર્પોરેશન લિમિટેડની કોર્પોરેટ ઓફિસ અને અનિલ અગ્રવાલના નિવાસસ્થાન પર સઘન તપાસ કરી રહી છે. જોકે, અનિલ અગ્રવાલ અને મિતેષ અગ્રવાલને તેમજ અભિષેક અગ્રવાલને આ અંગે પહેલેથી જ ગંધ આવી જતા તેઓ હાલ દમણની બહાર હોવાનું જણાવાયું છે.