દમણમાં કડેયા એરપોર્ટ રોડ સહિત ભીમપોર અને અન્ય વિસ્તારોમાં 2000 જેટલા ઉદ્યોગો ધમધમે છે. આ ઉદ્યોગોમાં મોટા ભાગના ઉદ્યોગો પ્લાસ્ટિક, ફાર્માસ્યુટિકલ, ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ પ્રોડક્ટના છે. નવાઈની વાત તો એ છે કે, આ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ઉદ્યોગકારો નિયમોનું ઉલ્લંઘન કરતા હોવા છતાં દમણ પ્રશાસન માટે દુઝણી ગાય હોય તેમ કોઈ કાયદાકીય પગલાં ભરતા નથી.
CETP/ETP પ્લાન્ટના આભાવે દમણના ઉદ્યોગકારો વરસાદી નાળામાં છોડે છે ગદું કેમિકલયુક્ત પાણી? ETV BHARAT જે વાતને હાલમાં જ વરસેલા વરસાદમાં સાચી સાબિત કરી છે. દમણના કડેયા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી એક ફાર્માસ્યુટિકલ કંપનીની બહાર વરસાદી પાણીની લાઈનમાં મોટાપાયે ફીણવાળું પાણી છોડવામાં આવ્યું હતું. જે અંગે સ્થાનિકોનું કહેવું છે કે આ પાણી નજીકની ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી આ રીતે વરસાદી માહોલ દરમિયાન વરસાદી પાણીની લાઈનમાં છોડવામાં આવે છે. જ્યારે અન્ય કેટલીક કંપનીઓ દ્વારા પણ આ રીતે જ કંપનીઓનું ગંદુ કેમિકલયુક્ત પાણી વરસાદી પાણીની સ્ટોર્મ વોટર લાઈનમાં છોડવામાં આવે છે. હાલમાં એક તરફ સ્ટોર્મ વોટર લાઈનમાં દવાની વાસવાળું સફેદ કલરના ફીણવાળું પાણી વહેતુ છે, અન્ય એક લાઈનમાં ઓઈલયુક્ત પાણી વહેતુ જોવા મળ્યું હતું. સવાલ એ ઉભો થાય છે કે જો આ વરસાદી પાણી માટેની જ લાઇન છે. તો તેમાં કંપનીઓનું ગંદુ કેમિકલયુક્ત પાણી આવ્યું ક્યાંથી? એક તરફ દમણ પ્રશાસને દમણમાં હોટેલ સંચાલકો અને રહેણાંક વિસ્તારોની સ્ટોર્મ વોટર લાઇનમાં ઠાલવતા શૌચાલયના પાણી માટે આ વિસ્તારમાં તવાઈ બોલાવી શૌચાયલના જોડાણ કટ કરી શહેરને ગંદકીમાં ફેરવી રહ્યું છે. ત્યારે, જે ઉદ્યોગકારો સ્ટોર્મ વોટરમાં ગંદુ અને કેમિકલયુક્ત પાણી છોડી બિન્દાસ્ત બની રહ્યા છે. તેવા ઉદ્યોગો પર કેમ કોઈ કાર્યવાહી નથી કરતા તે સવાલ ઉઠાવી રહ્યા છે. જો કે આ અંગે જે ફાર્માસ્યુટિકલ કંપનીની સામેથી દવાવાળું સફેદ પાણી સ્ટોર્મ વોટર લાઈનમાં છોડાયું છે. તે જ કંપનીના મેનેજરે આ અંગે એવી સૂફીયાણી વાતો કરી હતી કે તેમની એક જ એવી કંપની છે. જેમાં ETP પ્લાન્ટ છે અને ઝીરો ડિસ્ચાર્જ કંપની છે. કંપનીમાં રેગ્યુલર વેસ્ટ વોટરને ETPમાં ટ્રીટ કરવામાં આવે છે. સેમ્પલ લેવામાં આવે છે અને RO દ્વારા શુદ્ધ કરી પરત કંપનીમાં ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યારે અન્ય મોટાભાગની કંપનીઓમાં ETP પ્લાન્ટ જ નથી. તેવી કંપનીઓ સરાજાહેર તેમનું વેસ્ટ પાણી સ્ટોર્મ વોટર લાઈનમાં છોડે છે. કેમ કે દમણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં CETP જ નથી. અને ETPની ભલામણને ઉદ્યોગકારો ધોળીને પી ગયા છે. પ્રશાસન દમણમાં રહેણાંક વિસ્તાર અને હોટેલ સંચાલકો પર પર્યાવરણીય નિયમો હેઠળ ધાક જમાવી રહ્યું છે. તેવી કાયદાકીય કાર્યવાહી આ ઉદ્યોગકારો પર પણ કરે, તો જ દમણનો દરિયો સ્વચ્છ બની રહેશે અને ભૂગર્ભજળ પણ પીવાલાયક રહેશે.