દમણઃ સોમવારે સાંજે દમણના માજી નગરસેવક અને બિલ્ડર સલીમ મેમણની અજાણ્યા હત્યારાઓએ ગોળી મારીને હત્યા કરી હતી. સલીમ સાંજના સમયે તેના રોયલ સુઝુકી શૉ રૂમમાં હતો, ત્યારે 5 જેટલા બુકાનીધારીઓએ તેના શૉ રુમ પર આવીને ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં સલીમને માથાના ભાગે 2 અને પેટના ભાગે 1 ગોળીઓ વાગી હતી. જેથી તાત્કાલિક સારવાર માટે મરવડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને તબીબોએ મૃત જાહેર કર્યો હતો.
દમણમાં ફાયરિંગ કરી નગર સેવક સલીમ મેમણની ગોળી મારી હત્યા, હત્યારાઓ પોલીસ પકડની બહાર
દમણમાં સોમવારે સાંજે સલીમ મેમણ નામના ઇસમ પર પાંચ રાઉન્ડ ફાયરિંગ થતાં ચકચાર મચી છે. આ ફાયરિંગમાં સલીમ મેમણને બે ગોળી માથાના ભાગે અને એક ગોળી પેટના ભાગે વાગતા મોત થયું હતું. સલીમ મેમણ દમણ નગરપાલિકાનો માજી કોર્પોરેટર હતો. તેના પર વ્યાજ વસુલી, મિલકત પડાવી લેવી, દુષ્કર્મ સહિતના ગુનો નોંધાયા હતા. જે હાલમાં જ નવસારી જેલમાંથી છુટ્ટીને આવ્યો હતો.
સલીમ મેમણની હત્યાના સમાચાર શહેરમાં પ્રસરતા લોકોનું ટોળું તેમના શૉ રૂમ પર અને હોસ્પિટલ પર જમા થયું હતું. દમણ પોલીસને પણ આ અંગે જાણ થતાં દમણ જિલ્લા પોલીસવડા વિક્રમજીત સિંઘ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. તેમજ હત્યારાને પકડી પાડવા નાકાબંધી કરી તપાસ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે, સલીમ મેમણ દમણ નગરપાલિકામાં કાઉન્સિલર હતો તેમજ બિલ્ડર હતો. તેની સામે વ્યાજે પૈસા આપ્યા બાદ ચક્રવૃદ્ધિ વ્યાજ લગાવી 33 કરોડની મિલકત અને 55 લાખના દાગીના પડાવી લેવાના ગુનાની અને દુષ્કર્મના ગુનાની વલસાડના વાપીમાં ફરિયાદ નોંધાઇ હતી. તે બાદ નવસારીમાં જેલની સજા ભોગવી થોડા દિવસ પહેલા જ આવ્યો હતો, ત્યારે એક સામાન્ય વ્યક્તિમાંથી કરોડપતિ બની મર્સિડીઝ કારમાં ફરતા થયેલા સલીમે અનેક લોકો સાથે દુશ્મની વહોરી હતી. જેમાંથી કોઈ એકાદે આ હત્યા કરાવી હોવાની ચર્ચા શહેરમાં જાગી છે. જે દિશામાં દમણ પોલીસે પણ તપાસ હાથ ધરી છે.